- આ વર્ષે પોલીસ તંત્રમાં 12 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી થશે
- હવે નવી ભરતીએ નવું બોર્ડ નહીં રચાય, એડી. DGPના અધ્યક્ષપદે બોર્ડ કાયમ રહેશે
- 621થી વધુ અનુભવી પોલીસબળને નિમણૂંકપત્રોના ફાંફાં
લોક રક્ષક દળ- LRD અને પોલીસ બસ ઈન્સ્પેક્ટર- PSIની ભરતી માટે રાજ્યના ગૃહ વિભાગે છેવટે કાયમી ભરતી બોર્ડ રચ્યું છે. ગુરૂવારે મોડી રાતે ઉપસચિવ અમિત રાવલની સહીથી સાતેક સભ્યોના કાયમી બોર્ડના અધ્યક્ષપદે એડિશનલ DGP અને પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર હસમુખ પટેલની નિમણૂંક કર્યાનું જાહેર કરાયું હતું. ગૃહ વિભાગના આ હુકમમાં CID ક્રાઈમના નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડની પણ નિયુક્તિ કરવામાં આવી છે. હવે એક ઈન્સ્પેક્ટર, બે સબ ઈન્સ્પેક્ટર, બે અંગત મદદનીશ અને એક કચેરી અધિક્ષક એમ પાંચ સભ્યો નિમાશે. ત્યારબાદ આ વર્ષે અંદાજે 12 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે.
ગુજરાત પોલીસ તંત્રમાં LRD અને PSIની ભરતી માટે અત્યાર સુધીમાં અસ્થાયી સ્વરૂપે અલગ અલગ ભરતી બોર્ડની રચના થતી હતી. ભરતી પૂર્ણ થતા આવા બોર્ડને વિખેરી દેવામાં આવતુ હતુ. પરંતુ, હવે રાજ્ય સરકારે બંને કેડરની ભરતી માટે અધિક પોલીસ મહાનિર્દેશક- એડિશનલ DGPના અધ્યક્ષપદે કાયમી બોર્ડ રચ્યુ છે. જેમાં સિનિયર IPS બદલાતા રહેશે પણ બોર્ડ યથાવત રહેશે ! આ કાયમી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની નિયુક્તિ થઈ છે. વિતેલા પાંચેક વર્ષમાં રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ, પેપરલીકેજ અને કૌભાંડોની ઘટનાઓ બહાર આવતા સરકારે પોલીસ તંત્ર ઉપરાંત પંચાયત અને ગૌણ સેવા પસંદગી બોર્ડની ભરતીઓ પણ આ અધિકારીની આગેવાનીમાં પૂર્ણ કરી હતી. નવુ કાયમી બોર્ડ પોલીસ તંત્રમાં અંદાજે 12 હજાર જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલુ નાણાકીય વર્ષે હાથ ધરશે. જેમાં LRD, જેલ સિપાહી સહિતના અલગ અલગ સંવર્ગોનો સમાવેશ થાય છે. જેના માટે લોકસભા ચૂંટણી- 2024 પૂર્વે પરીક્ષા અને રિક્રૂટમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરવા સરકારે લક્ષ્યાંક તૈયાર કર્યો છે. ભરતી માટે આગામી સપ્તાહે વિધીવતપણે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ ગૃહ વિભાગમાંથી જાણવા મળ્યુ છે.










