- કોરોનામાં એક વર્ષ છૂટછાટ આપેલી, હવે તે યોગ્ય નથીઃ હાઈકોર્ટ
- સ્ટેનોગ્રાફરની ભરતી પ્રક્રિયામાં એક વર્ષની છૂટ માંગી હતી
- સ્ટેનોગ્રાફરની આ ભરતી પ્રક્રિયામાં આ ઉમેદવારોને ઉંમરનો બાધ આડે આવી રહ્યો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરાયેલી સ્ટેનોગ્રાફરની ભરતી પ્રક્રિયા સામે થયેલી અરજીને હાઈકોર્ટે ફ્ગાવી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે આ કેસમાં ભૂતકાળમાં સરકારે કોરોનાકાળને ધ્યાનમાં રાખીને પહેલા જ એક વર્ષની છૂટછાટ આપેલી છે, જેથી હવે વધુ એક વર્ષની છૂટ આપવી યોગ્ય જણાતી નથી.
સુનાવણી દરમિયાન, સરકારની રજૂઆત હતી કે આ કેસમાં મહત્તમ વયમર્યાદા 40 વર્ષની નક્કી કરાયેલી છે. નિયમ મુજબ પાંચ વર્ષની છૂટછાટ પણ અપાયેલી છે. આ ઉપરાંત, કોરોના કાળની સ્થિતિને સમજીને સ્ટેનોગ્રાફરની ભરતી પ્રક્રિયાને અનુલક્ષીને પહેલા જ એક વર્ષની છૂટછાટ આપેલી હતી. હવે, આમાં વધુ એક વાર છૂટ આપવી યોગ્ય નથી. અરજદારોની માગ છે કે 45 વર્ષથી વધુની વયના ઉમેદવારોને પણ છૂટ આપો, તેને સ્વીકારી શકાય નહીં. અરજદારના વકીલની રજૂઆત હતી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે હાથ ધરેલી સ્ટેનોગ્રાફરની ભરતી પ્રક્રિયામાં વયમર્યાદા સંદર્ભના ધારાધોરણોમાં છૂટછાટ આપો. કોરોનાકાળમાં પરીક્ષાનુ આયોજન થયું ન હતુ. આ ગાળામાં અનેક ઉમેદવારોની ઉંમર તો વધી જ છે. જેના લીધે, સ્ટેનોગ્રાફરની આ ભરતી પ્રક્રિયામાં આ ઉમેદવારોને ઉંમરનો બાધ આડે આવી રહ્યો છે. જેથી, તેમને રાહત આપવામાં આવે.










