પેટલાદ નગરપાલિકાના શહેરી હદ વિસ્તારના વોર્ડ નં.4માં આવેલ ઉંચી શેરી વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી અને કમળાના 6 શંકાસ્પદ કેસો જોવા મળતા સ્થાનિક વહીવટીતંત્ર હરકતામા મુકાયુ છે.
જેમા નવાપરા વિસ્તાર, રબારીવાસમાંથી લેવાયેલા પીવાલાયક પાણીના નમુનાનુ પેટલાદ સિવિલમાં ટેસ્ટિંગ કરાતા તેમાંથી બે સેમ્પલ બિન પીવાલાયક હોવાનુ ખુલવા પામ્યુ છે. પરિણામે અર્બન હેલ્થ વિભાગ દ્વારા રહીશોને પાણી ઉકાળીને કે કલોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવા તેમજ બજારૂ, ખુલ્લા વાસી ખાદ્યપદાર્થો ન આરોગવા અપીલ કરાઇ છે. સાથોસાથ અસરગ્રસ્ત દર્દીઓને રોગ પ્રતિરોધક સારવાર, ટ્રીટમેન્ટ આપવામા આવી છે. જોકે ધર્મજ ગામ બાદ પેટલાદમા પણ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અર્બન હેલ્થની ટીમ ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી છે. તદુપરાંત શંકાસ્પદ જણાતા દર્દીઓના સ્ટુલના સેમ્પલ મેળવવાની પણ પ્રક્રિયા શરૂ કરાઇ છે. કલોરીન ટેબ્લેટનુ પણ વિતરણ કરવામા આવી રહ્યુ છે અને રોગચાળા ઉપર નિયંત્રણ મેળવવા મેડીકલ, પેરામેડીકલ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા ઉપરાંત રોગચાળાના ઉદ્ભવની શંકા ધરાવતા અમુક વિસ્તારોમા પાણીના નમુના મેળવીને પૃથ્થકરણ માટે મોકલી આપવામા આવી રહ્યા છે. સાથોસાથ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમા પાણીની લીકેજ શોધીને તેનુ સમારકામ કરવાની દિશામા પણ કામગીરી શરૂ કરાઇ છે. જોકે જુદા-જુદા વિસ્તારમા દૈનિક ધોરણે કચરો-ગંદકી એકત્ર થતાં હોઇ ગંદકીની સફાઇ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવાની પણ રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે.










