• ફોટા વાયરલ કરવાની ધમકી આપી 7 લાખ, 8 તોલાનાં ઘરેણાં પડાવ્યાં

  • વેસુના સફલ સ્ક્વેરમાં આવેલી ઓયો હોટલમાં વારંવાર લઇ જઇ બદકામ કર્યું
  • આરોપી જીલના મિત્રએ પીડિતાની માસીના ઘરે ચોરી કરી

સરથાણાની ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને વેસુની ઓયો હોટલમાં લઇ જઇ વારંવાર દુષ્કર્મ આચરી નરાધમે ન્યૂડ ફોટા પાડી લીધા હતા. જે ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવકે પીડિતા પાસેથી રોકડા રૂપિયા 7 લાખ અને 8 તોલા વજનનાં ઘરેણાં પડાવી લીધા હતા.

સરથાણા જકાતનાકા ખાતે આવેલી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય પ્રિયા (નામ બદલ્યું છે) મૂળ રાજકોટની વતની છે અને ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરે છે. પ્રિયાને છેલ્લાં 5 વર્ષથી બહેનપણીના કૌટુંબિક ભાઇ જીલ બાવસિયા સાથે મિત્રતા હતી. તેઓ નિયમિત ફોન પર વાતચીત પણ કરતા હતા અને મળતા પણ હતા. દોઢેક વર્ષ પહેલાં જીલે કોલ કરી પ્રિયાને રાજવી શોપિંગમાં પ્રિયાને મળવા બોલાવી હતી. અહીં મિત્રની દુકાનમાં લઇ જઇ બળજબરી કરી પ્રિયા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ ગત વર્ષે વેસુના સફલ સ્ક્વેરમાં આવેલી ઓયો હોટલમાં પ્રિયાને બોલાવી જીલે બળાત્કાર ગુજાર્યો હતો. ચોરીછૂપીથી પ્રિયાના ન્યૂડ ફોટા પણ મોબાઇલમાં પાડી લીધા હતા. જે થકી તેણે બ્લેકમેઇલિંગ શરૂ કર્યુ હતું. જીલે ફોટા વાયરલ કરવાની ધમકી આપી પ્રિયા પાસેથી પૈસા માંગ્યા હતા. પ્રિયાએ પિતાના કબાટમાંથી 1.17 લાખ તથા માસીના ઘરેથી ચોરી કરી કુલ 7 લાખ તથા સોનાના 8 તોલાનાં ઘરેણાં જીલને આપી દીધા હતા.

આરોપી જીલના મિત્રએ પીડિતાની માસીના ઘરે ચોરી કરી

વધુમાં આરોપી જીલના મિત્ર ફેનિલ દેસાઇએ બ્લેકમેઇલિંગ શરૂ કર્યુ હતું. તેને વારંવાર પ્રિયાને કોલ કરી જીલને આપેલા પૈસા પ્રિયા પાસે માંગી ન્યૂડ ફોટા વાયરલ કરવાની અને ચાકુ લઇ ઘરે આવી પતાવી દેવાની ધમકી આપી હતી. ફેનિલે પ્રિયાની માસીના ઘરની ચાવી માંગી તેની ડુપ્લિકેટ ચાવી મંગાવી રૂપિયા 40 હજાર અને ઘરેણાંની ચોરી પણ કરી હતી. આખરે પ્રિયાએ ફરિયાદ આપતા સરથાણા પોલીસે જીલ અનિલ બાવસિયા અને ફેનિલ ભરત દેસાઇ સામે બળાત્કાર, ખંડણી તથા પોક્સો અને આઇટી એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.

  • Follow us on: