• 14 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસ સાથે શ્રાદ્ધ પક્ષનું સમાપન થશે

  • ચોથની ક્ષય, સાતમની વૃદ્ધિ તિથી સાથે 16 દિવસનો શ્રાદ્ધ પક્ષ
  • 10 દિવસ સુધી બાપ્પાની આરાધના બાદ ગુરુવારે ભારે હૈયે વિદાય

ભાદરવા માસના આરંભે વિઘ્નહર્તા દેવની પૂજા-અર્ચના, આગતા સ્વાગતાની રોનક છવાઇ હતી. 10 દિવસ સુધી બાપ્પાની આરાધના બાદ ગુરુવારે ભારે હૈયે વિદાય અપાઇ હતી. જ્યારે શુક્રવારથી હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતા શ્રાદ્ધ પક્ષનો આરંભ થશે. શુક્રવારે ભાદરવા સુદ પૂનમથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થશે. દરમિયાન આગામી 16 દિવસ સુધી પિતૃતર્પણ, પિંડદાન સહિતની ધાર્મિક ક્રિયાનો દૌર જોવા મળશે. શુક્રવારે પ્રથમ દિવસે એકમનું શ્રાદ્ધ રહેશે. 14 ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસ સાથે શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહુતિ થશે.

29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધીના 16 દિવસના શ્રાદ્ધ પક્ષમાં અલગ અલગ તિથી પ્રમાણે પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરાશે. શાસ્ત્રો મુજબ, પડવાથી અમાસ સુધી પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધાથી કરેલા પિંડ, જળ, તર્પણ, ભોજનદાનને શ્રાદ્ધ કહેવાય છે. સામાન્યપણે શ્રાદ્ધ પક્ષ 16 દિવસનું હોય છે. જેમાં ચાલુ વર્ષે ચોથની તિથીનો ક્ષય અને સાતમની વૃદ્ધિ તિથી સાથે 16 દિવસનો જ શ્રાદ્ધ પક્ષ રહેશે. તિથીના વિચિત્ર સંયોગ વચ્ચે એકાદશી અને બારસના શ્રાદ્ધ વચ્ચે એક દિવસનો વિરામ રહેશે. શુક્રવારે ભાદરવા સુદ પૂનમ નિમિત્તે એકમનું શ્રાદ્ધ રહેશે. ત્યારબાદ તબક્કાવાર વિવિધ તિથીના શ્રાદ્ધ આવશે. 2 ઓક્ટોબરના રોજ ચોથની તિથીનો ક્ષય છે. તેમ છતાં તબક્કાવાર શ્રાદ્ધને કારણે ચોથનું શ્રાદ્ધ એ જ દિવસે 2 ઓક્ટોબરે રહેશે. ત્યાર બાદ 5 ઓક્ટોબરના રોજ સાતમની વૃદ્ધિ તિથી આવે છે.

જોકે, તે દિવસે સાતમનું શ્રાદ્ધ બાદ બીજા દિવસે આઠમ અને 7 ઓક્ટોબરના રોજ નોમનું શ્રાદ્ધ આવશે. ચૌદશ, પૂનમ, અમાસના શ્રાદ્ધને લઇને મતમતાંતર જોવા મળી રહ્યા છે. શ્રાદ્ધ પક્ષમાં ધાર્મિક ક્રિયા, વિધિ, પરંપરા સદીઓથી ચાલી આવે છે. હિન્દુ સમુદાયમાં શ્રાદ્ધ પક્ષનું ભારે મહત્વ હોવાની સાથે જ શહેરીજનો પોતાની ક્ષમતા મુજબ પિતૃતર્પણ, પિંડદાન સહિતની ધાર્મિક ક્રિયાઓ કરશે. 14 ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસ બાદ આસો નવરાત્રિની રોનક દેખાશે. પૂર્ણિમાનું શ્રાદ્ધ હોતું નથી. સામાન્યપણે પૂર્ણિમાના દિવસે ગુજરીત ગયેલા પિતૃ, સ્વજનોનું શ્રાદ્ધ સર્વપિતૃ અમાસના દિવસે જ થાય છે.

29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધીના શ્રાદ્ધ પર એક નજર

જ્યોતિષીના જણાવ્યા મુજબ, 29 સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમ નિમિત્તે એકમનું શ્રાદ્ધ રહેશે. ત્યાર બાદ 30 સપ્ટેમ્બરે બીજનું શ્રાદ્ધ, 1 ઓક્ટોબરના રોજ ત્રીજનું શ્રાદ્ધ, 2 ઓક્ટોબરના રોજ ચોથનું શ્રાદ્ધ, 3 ઓક્ટોબરે પાંચમનું શ્રાદ્ધ, 4 ઓક્ટોબરે છઠ્ઠનું શ્રાદ્ધ, 5 ઓક્ટોબરે સાતમનું શ્રાદ્ધ, 6 ઓક્ટોબરે આઠમનું શ્રાદ્ધ, 7 ઓક્ટોબરે નોમનું શ્રાદ્ધ, 8 ઓક્ટોબરે દશમનું શ્રાદ્ધ, 9 ઓક્ટોબરના રોજ એકાદશીનું શ્રાદ્ધ, 10 ઓક્ટોબરે એક દિવસનો વિરામ રહેશે. 11 ઓક્ટોબરના રોજ બારસનું શ્રાદ્ધ, 12 ઓક્ટોબરે તેરસનું શ્રાદ્ધ, 13 ઓક્ટોબરે અસ્ત્ર-શસ્ત્ર કે અકસ્માતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ અને 14 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસ વેળાએ ચૌદશ, પૂનમ, અમાસનું શ્રાદ્ધ રહેશે.


  • Follow us on: