• CM સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટમાંથી રૂ. 120 કરોડ ફાળવાશે
  • નવી હોસ્પિટલમાં 20 ICU, 8 ઑપરેશન થિયેટર અને 378 મેડિકલ વિભાગો
  • નવી વીએસ હોસ્પિટલમાં 2 વર્ષમાં થશે તૈયાર


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રૂ. 180 કરોડના ખર્ચે 7 માળની નવી VS હોસ્પિટલ તૈયાર કરવા માટેનું આયોજન હાથ ધરાયું છે. હાલની VS હોસ્પિટલના સંકુલમાં જ નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. આ હેતુસર 2021-22ના વર્ષ દરમિયાન મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત મળતી રાજ્ય સરકરાની ગ્રાન્ટમાંથી રૂ.120 કરોડ ફાળવવામાં આવશે અને રૂ. 60 કરોડ જેટલો ખર્ચ AMC ભોગવશે.

હાલના VS કેમ્પસમાં લગભગ 2 વર્ષમાં નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. જેના પરિણામે લગભગ 2 વર્ષ પછી નવી VS હોસ્પિટલમાં અમદાવાદના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ તેમજ બહારગામથી સારવાર માટે આવનાર દર્દીઓને પણ શ્રેષ્ઠ સારવાર મળશે.

સૂત્રોના જણાવ્યાનુસાર, મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા હયાત જર્જરિત VS હોસ્પિટલને ધરાશાયી કરીને તે જ સ્થળે નવી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે. લગભગ 5,000 ચો.મી. જમીનમાં નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. નવા બિલ્ડિંગમાં COP અને પાર્કિંગ માટે 20 હજાર ચો.મી. જમીન સાબરમતી રિવરફ્રન્ટમાં ફાળવવામાં આવી છે.

નવી VS હોસ્પિટલ 7 માળની બનાવવામાં આવશે અને નવા બિલ્ડિંગમાં 2 બેઝમેન્ટ, માઉન્ડ ફ્લોર, સહિત અંદાજે 45 હજાર ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે. નવા બિલ્ડિંગમાં 8 ઓપરેશન થિએટર,20 જેટલા ICU બેડ, જુદા જુદા 378 મેડિકલ વિભાગો, રેડિયોલોજી, સુપર સ્પેશિયાલિટી વિભાગોની OPD, પેથોલોજી, બાયો કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજી લેબોરેટરી પણ ઉપલબ્ધ હશે.

ઉલ્લેખનીય છે કે, AMCમાં ગઈ ટર્મમાં ભાજપના સત્તાવાળાઓ દ્વારા વી. એસ. હોસ્પિટલને તાળાં મારવાનો કારસો રચાયો હતો અને તેના પગલે ભારે વિવાદ સર્જાયો હતો. BJPના પૂર્વ મહિલા મેયર સહિત મ્યુનિ. પદાધિકારીઓની સૂચનાને અનુસરીને તત્કાલીન મ્યુનિ. કમિશનરે 2018માં VS હોસ્પિટલમાંથી સ્ટાફ અને મેડિકલ સાધનો SVP હોસ્પિટલમાં નહીં લઈ જવા અંગેનો ઠરાવ કર્યો હતો.

આમ છતાં મ્યુનિ. શાસકોએ જ આ ઠરાવથી તદ્દન વિપરીત અમલ કર્યો હતો અને વી.એસ. હોસ્પિટલમાંથી SVPમાં તબીબો સહિત સ્ટાફ અને મેડિકલ સાધનો પણ લઈ ગયા હતા. એટલું જ નહીં, પરંતુ મેડિકલ કોલેજનો પણ SVPમાં સમાવેશ કરી દેવાયો હતો. જોકે, AMCમાં ભાજપના નવા ચૂંટાયેલા પદાધિકારીઓએ નવી V S હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ હેતુસર નક્કર આયોજન હાથ ધરીને નવી હોસ્પિટલ બનાવવાની હિલચાલ હાથ ધરી છે.

  • Follow us on: