PM મોદી અને સ્પેનના PM સાંચેઝ આજે વડોદરામાં ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યુ. બન્ને દિગ્ગજો એરપોર્ટથી ટાટા એરક્રાફટ કોમ્પ્લેક્સ સુધી મેગા રોડ શૉ યોજયો હતો. આ રોડ શૉ 2.5 કિલોમીટરનો હતો. તેમજ લક્ષ્મી વિલાસ પેલેસમાં બંને દેશોના ડેલિગેશન શાહી ભોજન લેશે.સાથે સાથે વડોદરાવાસીઓ તેમજ લોકોએ સ્વાગત કર્યું હતું.
PM મોદી અને સ્પેનના PM સાંચેઝ વડોદરાની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. C - 295 એરક્રાફ્ટનું ઉત્પાદન નિર્માણકાર્ય થશે. PM મોદીએ સ્પેનિશ ભાષામાં અભિવાદન કર્યું છે. PM મોદીએ કહ્યું હતું કે, ભારત - સ્પેનની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ, ભારત - સ્પેન સંબંધોને આ કરાર મજબુતી આપશે. મેક ઇન ઇન્ડિયા મિશનને પણ મજબુતી મળશે.
મેક ઇન ઇન્ડિયા મિશનને પણ મજબુતી મળશેઃ PM
ટાટા એડવાન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન સમયે PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, C - 295 એરક્રાફ્ટનું ઉત્પાદનનું હવે નિર્માણકાર્ય થશે. એરબસ અને ટાટાની ટીમને ખુબ-ખુબ શુભેચ્છાઓ...આપણે દેશના મહાન સપૂત રતન ટાટાજીને ગુમાવ્યા છે. રતન ટાટાજીને આજે સર્વાધિક ખુશી થઇ હોત, તેમની આત્મા જ્યાં હશે ત્યાં આજે પ્રસન્ન હશે. નવા ભારતના નવા વર્ક કલ્ચરને આ સિસ્ટમ અસર કરે છે. ભારત કઇ સ્પીડથી કામ કરે છે તે અહીં દેખાય છે.
ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ નવી ઉંચાઇઓ પર: PM
PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, ઓક્ટોબર 2022માં જ આ ફેક્ટરીનું નિર્માણ શરૂ થયું હતું. બે વર્ષમાં આ ફેક્ટરી એરક્રાફ્ટના નિર્માણ માટે તૈયાર છે. ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ નવી ઉંચાઇઓ પર પહોંચી ગયું છે. 10 વર્ષ પહેલાં જે પગલાં લેવા શરૂ કર્યા હતા તેનું આ પરિણામ છે. અમે નવા રસ્તે ચાલવાનું પસંદ કર્યું, તેનું આ પરિણામ છે. શક્યતાને સમૃદ્ધિમાં બદલવા યોગ્ય પ્લાન, ભાગીદારી જરૂરી છે.
1000 નવા ડિફેન્સ સ્ટાર્ટ અપ દેશમાં બન્યાઃ PM
ડિફેન્સ ઉત્પાદનમાં ખાનગી ભાગીદારીનો વ્યાપ વધાર્યો છે. DRDO, HALને પણ સશક્ત કર્યા છે. નવા ડિફેન્સ કોરિડોર પણ ઉભા કરાયા છે. આઇવેક્સ જેવી સ્કીમોએ સ્ટાર્ટ અપ્સને ગતિ આપી છે. 1000 નવા ડિફેન્સ સ્ટાર્ટ અપ દેશમાં બન્યા છે. 10 વર્ષમાં ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ 30 ગણું વધ્યુ છે. ભારતમાં સ્કિલ્સ અને ડિફેન્સ ઉત્પાદન પર ફોકસ છે. આ ફેક્ટરીથી ભારતમાં નવા ઉદ્યોગોને બળ મળશે. દેશના અનેક નાના શહેરોમાં એર કનેક્ટિવિટી પહોંચાડી છે. વડોદરામાં ફાર્મા, એન્જિનિયરિંગની અનેક કંપનીઓ છે. કેમિકલ અને પાવરની પણ અનેક કંપનીઓ વડોદરામા છે. ગુજરાત સરકારને તેમનાં નિર્ણયો માટે ખૂબ અભિનંદન પાઠવું છું.
વડોદરા ભારતની સાંસ્કૃતિકનગરી છેઃ PM
PM મોદીએ વડોદરા શહેરના વખાણ કરતા કહ્યું હતું કે, વડોદરા ભારતની સાંસ્કૃતિકનગરી છે. સ્પેનના લોકોનું સંસ્કારનગરીમાં સ્વાગત કરતા ખુશી થઇ છે. ફાધર વાલેસ સ્પેનથી આવી ગુજરાતમાં વસ્યા હતા. તેમણે ગુજરાતીમાં તેમના વિચારો પ્રદાન કર્યા હતા. તેમનું લેખન ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત છે. સ્પેનમાં ભારતના યોગ ખૂબ લોકપ્રિય છે. સ્પેનની ફૂટબોલ ભારતમાં ખૂબ લોકપ્રિય છે. બાર્સેલોનાની ફૂટબોલ ટીમની જીત ભારતમાં ચર્ચાનો વિષય બની છે. ફૂડ, ફિલ્મ્સ અને ફૂટબોલ બંને દેશોમાં ખુબ લોકપ્રિય છે.
શું છે વિમાનની વિશેષતા
ભારતીય કંપની તાતા અને ઍરબસ મળીને ભારતીય વાયુસેના માટે સી-295 ટ્રાન્સપૉર્ટ વિમાન ગુજરાતના વડોદરામાં બનાવવાના છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર આ પ્રથમ પ્રોજેક્ટ છે જેમાં એક ખાનગી કંપની ભારતમાં મિલિટરી ઍરક્રાફ્ટ બનાવવાનું કામ ક૨શે. C-295 MW એક કાર્ગો વિમાન છે. તેની કાર્ગો લઈ જવાની ક્ષમતા 5થી 10 ટન છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર, C-295 MW વિમાન ભારતીય વાયુસેનાના જૂનાં AVRO વિમાનની જગ્યા લેશે. આ વિમાનની પાછળ એક દરવાજો છે. જેનો ઉપયોગ પૅરાટ્રૂપર્સ (સૈનિકો) અને સામાનને દરિયાઈ માર્ગે ઉતારવા માટે થઈ શકે છે. સરકારનો દાવો છે કે ભારતીય વાયુસેનામાં સામેલ થનારાં આ વિમાનોથી વાયુસેનાને ઘણો ફાયદો થશે.









