વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેલવાસમાં નમો હોસ્પિટલના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 2500થી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સેલવાસમાં વિકાસને ભેટો આપ્યા બાદ પીએમ મોદી સુરત પહોંચ્યા છે. સુરતમાં તેઓ રોડ શો બાદ સુરતનાં લિંબાયતમાં સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો અને 2.3 લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ PM લિંબાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, નામ અને દાન બે બાબત સુરતને વિશેષ બનાવે છે.
PM નરેન્દ્ર મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં જણાવ્યું હતું કે, પીએમ બન્યા બાદ આ મારી પહેલી સુરતની મુલાકાત છે. ગુજરાતે જેને ઘડ્યો તેને દેશે વ્હાલથી અપનાવ્યો છે. હંમેશા આપ સૌનો ઋણી છું. જેમણે મારા જીવનને ઘડવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સુરતની સ્પીરિટ યાદ ન આવે અને જોવા ન મળે એ કેવી રીતે બને. કામ અને દામ આ બે એવી વસ્તુ છે જે સુરતને વધુ વિશેષ બનાવે છે. એકબીજાને સપોર્ટ કરવો. સૌના વિકાસને સેલિબ્રેટ કરવો. એ આપણને સુરતના દરેક ખૂણામાં જોવા મળે છે. આજનો આ કાર્યક્રમ સુરતની આ સ્પિરીટ અને ભાવનાને આગળ વધારનારો છે. સુરત અનેક બાબતોમાં ગુજરાતનું અને દેશનું પ્રમુખ શહેર છે. સુરત આજે ગરીબને વિંચતને ભોજન અને પોષણની સુરક્ષા આપવાના મિશનમાં આગળ વધી રહ્યું છે.
સૌના વિકાસની ઉજવણી સુરતના દરેક ખૂણામાં છે: PM
વધુમાં વડાપ્રાધને કહ્યું હતું કે, સૌના વિકાસની ઉજવણી સુરતના દરેક ખૂણામાં છે. સુરતમાં ક્યાંય ભેદભાવ જોવા નથી મળતો, જરૂરીયાત મંદ લોકોના ભોજનની ચિંતા કરી છે. અમારી સરકાર ગરીબની સેવક બની કામ કરી રહી છે. કોરોના કાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શરૂ કરી છે. ગુજરાત સરકારે ગરીબ કલ્યાણ યોજના માટે કામ કર્યું છે. કેન્દ્ર સરકાર સવા બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. અમારું લક્ષ્ય દરેક પરિવારને પર્યાપ્ત પોષણ આપવાનો છે. PM પોષણ યોજના હેઠળ 12 કરોડ બાળકોને પોષક આહાર મળે તે જરૂરી છે. અમારી સરકારે બાળકો, મહિલાઓના પોષણની ચિંતા કરી છે. પોષણની સાથે સ્વચ્છતા પણ જરૂરી છે.
સ્વચ્છતામાં સુરત પહેલા કે બીજા નંબરે હોય જ છે: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતામાં સુરત પહેલા કે બીજા નંબરે હોય જ છે. સ્વચ્છ ભારત અભિયાનથી ગામડાઓમાં બીમારી ઘટી છે. હર ઘર જલ અભિયાનથી ઘરે ઘરે પાણી પહોંચ્યું છે. મફત રાશન યોજનાથી કરોડો લોકોનું જીવન સુધર્યું છે.
આપણા દેશમાં 5 કરોડ ભૂતિયા રેશનકાર્ડ હતા: PM
આપણા દેશમાં 5 કરોડ ભૂતિયા રેશનકાર્ડ હતા, જેનો જન્મ જ ન થયો હોય તેના રેશનકાર્ડ બની જતા હતા. સરકારે રેશનકાર્ડને આધાર સાથે લિંક કર્યું છે. 36 કરોડથી વધુ લોકો સરકારી વીમા યોજના સાથે જોડાયા છે. 16, 000 કરોડ ક્લેમ તરીકે ગરીબોને ચૂકવાયા છે. 60 લાખ ભારતીયોને 5 લાખની વીમા સુરક્ષા અપાઇ છે.
સૌનો સાથ સૌનો વિકાસનો અમારો મંત્ર: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, PM વિશ્વકર્મા યોજના હેઠળ હજારોને ટ્રેનિંગ આપી છે. સૌનો સાથ સૌનો વિકાસનો અમારો મંત્રને સાકાર કરી રહ્યા છીએ. 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
ઇનકમ ટેક્સમાં રાહતથી વેપારીઓને મદદ મળશેઃ PM
PM મોદીએ જણાવ્યું હતું કે, ઇનકમ ટેક્સમાં રાહતથી વેપારીઓને મદદ મળશે અને 12 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ, નોકરિયાતોને પોણા ત્રણ લાખ સુધી શૂન્ય ટેક્સ, સુરત લાખો લોકોને રોજગાર આપી રહ્યું છે. MSMEની વ્યાખ્યા બદલાવાથી તેમને ફાયદો થશે, બજેટમાં નાના ઉદ્યોગોને 2 કરોડની લોનની જોગવાઇ કરવામાં આવી છે. સુરતમાં એરપોર્ટનું નવું ટર્મિનલ બન્યું છે. બુલેટ ટ્રેનથી સુરતને ફાયદો થશે અને રોજરાગીથી લઇ તમામ ક્ષેત્રને વેગ મળશે.
8 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી થશે અને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરશે. તેઓ 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી સન્માનિત પણ કરશે.વડાપ્રધાન ગુજરાત સરકારનાં G-SAFAL (જી-સફલ, આજીવિકા વધારવા માટે અંત્યોદય પરિવારો માટેની ગુજરાત યોજના) અને G-MAITRI (જી-મૈત્રી, ગ્રામીણ આવકની પરિવર્તન માટે વ્યક્તિગત વૃદ્ધિ માટે ગુજરાત માર્ગદર્શક અને પ્રવેગક) કાર્યક્રમનો શુભારંભ કરાવશે. જી-મૈત્રી યોજના ગ્રામીણ આજીવિકા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે કામ કરી રહેલા સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય અને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પ્રદાન કરશે. જી-સફલ ગુજરાતના બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 13 મહત્વાકાંક્ષી તાલુકાઓમાં અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથની મહિલાઓને નાણાકીય સહાય અને ઉદ્યોગસાહસિક તાલીમ પ્રદાન કરશે.









