• લોકસભા ચૂંટણીની તૈયારી, દિવાળી પછી સૌરાષ્ટ્રનો પ્રવાસ નક્કી

  • અમિત શાહ અમદાવાદમાં, આજે માણસા, સાણંદ અને કલોલમાં કાર્યક્રમ
  • બીજા દિવસે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 31 ઓક્ટોબરને સરદાર જંયતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી- SOUના કાર્યક્રમ પૂર્વે વધુ એક દિવસના રોકાણ સાથેનો નવો શિડયુલ તૈયાર થઈ રહ્યો છે. PMOમાંથી પ્રાપ્ત માહિતી મુજબ નરેન્દ્ર મોદી હવે 30મી ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. આ દિવસે તેઓ મહેસાણાના ખેરાળુમાં વિશાળ જનસભાને સંબોધશે, સાથે જ વિકાસ કામોના લોકાપર્ણ, ખાતમૂર્હત પણ કરશે. બીજા દિવસે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે.

એકાદ મહિના ટૂંકા અંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં મૂલાકાતનો આ બીજો તબક્કો છે. જેને સરકારી તંત્ર તેમજ ભાજપના જાણકારો લોકસભા ચૂંટણી- 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જોઈ રહ્યા છે. કારણ કે, 26 અને 27 સપ્ટેમ્બર એમ બે દિવસ વડાપ્રધાન ગુજરાતમાં હતા. તે વેળા તેઓ છોટાઉદેપુર લોકસભા મતક્ષેત્રના બોડેલી ખાતે વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો સાથે જનસભા સંબોધી હતી. હવે દિવાળી પછી તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે જશે તેમ મનાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પૂર્વે નવરાત્રિના છેલ્લા દિવસે અને દશેરાના તહેવારોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ગુજરાતમાં છે. આ બંને મંત્રીઓ મંગળવારે કલોલ પાસે આવેલા ઈફ્કો પ્લાન્ટમાં નેનો DAP ખાતરના નવા પ્લાન્ટનું લોકાપર્ણ કરશે. આ સાથે જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી આવેલા ખેડૂતો, સહકારી આગેવાનોની વિશાળ જનસભાને પણ સંબોધશે. સોમવારે મોડી સાંજે અમદાવાદ આવેલા ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિની પૂર્ણાહૂતિએ અમદાવાદ- ગાંધીનગરમાં વિવિધ ગરબા આયોજનોમાં સામેલ થયા હતા. ઈફ્કોના કાર્યક્રમ પૂર્વે તેઓ માણસામાં સ્પોટર્સ કોમ્પલેક્ષનુ ખાતમૂહૂર્ત કરશે. જ્યારે સાંજે સાણંદમાં પણ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાપર્ણ કરશે.


  • Follow us on: