• 23 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે
  • પેસેન્જર ટર્મિનલ: પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરવા સક્ષમ
  • વહીવટી તંત્ર તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા લોકાર્પણની તડામાર તૈયારીઓ

27મી જુલાઈ 2023ના રોજ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ - હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ માટે હાલ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 7 ઓક્ટોબર 2017ના રોજ વડાપ્રધાનએ જ ચોટીલા પાસે આવેલા હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ અર્થે ભૂમિપૂજન કર્યું હતું. હવે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના આર્થિક વિકાસની ઉડાનને નવી ગતિ આપનારા આ એરપોર્ટનું તેમના વરદહસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોમાં ઉત્સાહનો માહોલ છે.

વર્ષ 2017માં ભૂમિપૂજન બાદ નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે સમજૂતિ કરાર થયા હતા. રાજકોટ તેના નાના પાયાના તેમજ મોટા ઉદ્યોગોને કારણે ગુજરાત અને ભારત માટે એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર છે. આ શહેર વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે જટિલ પુરવઠા શૃંખલાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં ઝડપથી વધારો થવાની અપેક્ષા છે.


હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિશેષતાઓ

  • રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-27 નજીક હિરાસર ગામ પાસે ₹1405 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે.
  • સમગ્ર એરપોર્ટ સંકુલ 1025.50 હેક્ટર (2534 એકર)માં ફેલાયેલું છે, જેમાં 1500 એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ 3.04 કિમી લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવે છે, જેના પર એકસાથે 14 વિમાનો પાર્ક થઈ શકશે. 50,800 ચોરસ મીટરમાં એપ્રન બેય્ઝ બનાવવામાં આવ્યો છે. 23 હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. આ ટર્મિનલ પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરી શકાશે.
  • આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી ‘C’- ટાઇપ પ્લેન પણ ઓપરેટ કરી શકાશે, અને ભવિષ્યમાં ‘E’- ટાઇપ પ્લેન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો એરબસ એ-380, બોઇંગ 747 અને બોઇંગ 777 જેવા મોટા કદના વિમાનોની સેવાઓ મેળવી શકશે.
  • એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર પેરેલલ હાફ ટેક્સી-વે, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો અને એમઆરઓ /હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે.
  • ગ્રીનફિલ્ડ એરપોર્ટને તાજેતરમાં ઇન્ટરનેશનલ એરોનોટિકલ ઇન્ફોર્મેશન પબ્લિકેશન (A.I.P) ટેગ આપવામાં આવ્યું છે. આ ટેગ એરક્રાફ્ટના સંચાલન માટે ખૂબ મહત્વનો ગણાય છે. આ એરપોર્ટ વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ચાર પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ અને 8 ચેક-ઇન કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. આ સાથે જ, આ એરપોર્ટ અદ્યતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમથી સજ્જ હશે.
  • એર ટ્રાફિક કંટ્રોલર (A.T.C), ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન ઉપરાંત 524 એકરમાં ફેલાયેલા સિટી સાઇડ એરિયામાં લેન્ડસ્કેપિંગ, કાર, ટેક્સી અને બસ પાર્કિંગની સુવિધાઓ બનાવવામાં આવી છે.


શું છે ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ?

ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ એટલે એવા એરપોર્ટ્સ જે શૂન્યમાંથી સર્જિત થયા હોય એટલે કે ગ્રાઉન્ડ ઝીરોમાંથી બનાવવામાં આવ્યા હોય. વિકાસ પ્રક્રિયાના ભાગ રૂપે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ ઘણીવાર પર્યાવરણીય બાબતોને ધ્યાનમાં લે છે અને આસપાસના વાતાવરણ પર તેમની અસર ઘટાડવાનો પ્રયાસ કરે છે.

  • Follow us on: