પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી પાટનગર ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં તેમનો રોડ શો યોજાયો હતો. પીએમ મોદીના રોડ શોને લઇને ગાંધીનગર વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. પીએમ મોદીના આગમનને લઇને કંઇક અલગ જ માહોલ જોવા મળ્યો હતો.

પીએમ મોદીનુ આગમન થતા જ ભારત માતાકી જય અને મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા હતા. પીએમ પર ફુલો વરસાવીને તેમનુ સ્વાગત કરાયુ હતું. નાના બાળકોથી લઇને સૌ કોઇ પીએમ મોદીનું અભિવાદન ઝીલવા આતુર હતા. પીએમ મોદી પણ સૌ કોઇનું અભિવાદન કરતા જોવા મળ્યા. ઢોલ નગારા અને પરંપરાગત વાદ્યો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરાયુ હતું.
મંગળવારે પોતાના ગૃહ રાજ્ય ગાંધીનગરની બે દિવસની મુલાકાતે આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં રોડ શો યોજ્યો જેમાં આખા રસ્તા પર જાણે તિરંગાના રંગે રંગાયો હોય તેમ જોવા મળ્યુ હતું.

દરેકના હાથમાં તિરંગો હતો અને પીએમ મોદીને હસતા મોઢે આવકારતા જોવા મળ્યા. ઓપરેશન સિંદૂર પછી તેમની આ ગુજરાતની પ્રથમ મુલાકાત છે.

કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. મંગળવારે ગુજરાતના ગાંધીનગરમાં તેમના રોડ શો પહેલા, કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી.

પીએમ મોદીના રોડ શોમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવતા પ્લે કાર્ડ અને બેનરો લઇને લોકો આવી પહોંચ્યા હતા. પીએમના આગમનથી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમની લાગણી જોવા મળી હતી. વિવિધ ધર્મ, સમાજ અને સંસ્થાઓના લોકો વિવિધ વેશભૂષા તથા ચિત્રો અને બેનરો લઇને રોડ શોમાં પીએમ મોદીની એક ઝલક જોવા આવી પહોંચ્યા હતા.

ગાંધીનગરવાસીઓએ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આ બીજો દિવસ છે. ગઇકાલે પીએમ મોદીએ અમદાવાદ, વડોદરા અને ભુજ એમ 3 જગ્યાએ રોડ શો કર્યો હતો. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદી વતનમાં આવતા સૌ કોઇમાં હર્ષની લાગણી જોવા મળી હતી.










