- અમદાવાદની 'જીંદગી' નામની મહિલા પાસેથી મોતનો સામાન લાવ્યા
- 33 હજારની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું
- ત્રણ સામે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
કુડાસણ પાસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે લોકો ઝડપાયા છે. પોલીસે બાઈક પર જતાં બે યુવકોને દબોચીને 33 હજારની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ. સમગ્ર મુદ્દે 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને શખસો અમદાવાદ વિસ્તારમાંથી જીંદગી નામની સ્ત્રી પાસેથી લઈ આવ્યા હતા. જેને પગલે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત ત્રણ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
ગાંધીનગર, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં યુવાધન હવે ડ્રગ્સના રવાડે ચઢયું છે. ત્યારે ગાંધીનગર એસઓજીની ટીમે બે યુવકનો એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયા છે. પીઆઈ વી. ડી. વાળાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ વિજયસિંહને ડ્રગ્સની હેરાફેરી અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે મોડી રાત્રે પોલીસની ટીમ શાહપુર સર્કલથી રિલાયન્ય ચોકડી તરફ જતા રસ્તે ગોઠવાઈ ગઈ હતી.આ સમયે બાતમી વાળુ GJ-18-CS-0073 નંબરનું બાઈક આવ્યું હતું. જેઓના નામ પૂછતાં જોરૂ જગમલભાઈ ઉર્ફે જગદીશભાઈ ભરવાડ (30 વર્ષ, રામવસાહતના છાપરા, ધોળાકુવા) તથા સતીષ ભીમન્ના મસીમુકલ્લા (42 વર્ષ, રહે-વેદિકા ઈસેન્સ, રાયસણ) હોવાનું સામે આવ્યું હતું. જોરૂની અંગઝડતી કરતાં ત્રણ નાના પેકમાં એમડી ડ્રગ્સ પાવડર મળી આવ્યો હતો. જોકે ખરાઈ માટે એફએસએલ અધિકારીને રાત્રે જ બોલાવીને પરીક્ષણ કરાવતા ત્રણેય જીપલોક બેગમાં મેફેડ્રોન હોવાનું ખાતરી થઈ ગઈ હતી. જેનું કુલ વજન 3.320 ગ્રામ થયું હતું, જેની કિંમત 33,200 રૂપિયા થાય છે. ડ્રગ્સના જથ્થા અંગે પૂછતાં આરોપીએ કબૂલાત કરી હતી કે અમદાવાદમાં ઉજાલા સર્કલથી ઈસનપુર જતા રોડ પર જીંદગી નામની મહિલા પાસેથી તેઓ લાવ્યા હતા. જેને પગલે પોલીસે ડ્ગ્સ, બાઈક, બે મોબાઈલ મળીને 99 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસઓજીએ ઝડપાયેલા બંને શખસો અને ડ્રગ્સ આપનાર મહિલા સામે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં બંને શખસો પોતાના ઉપયોગ માટે ડ્રગ્સ લાવ્યા હતા કે કોઈને સપ્લાય કરવા માટે લાવ્યા હતા.










