દેવભૂમિ દ્વારકા જિલ્લાના મણિપુર હાબરડી ગામે યુવાનની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો. યુવાનની હત્યાની તપાસ કરતા દ્વારકા પોલીસને ગુનો નોંધાયાના ગણતરીના જ દિવસોમાં મોટી સફળતા મળી. સગા ભાઈએ જ યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું. યુવાનની હત્યામાં અન્ય યુવાનો ઉપરાંત એક મહિલા પણ ગુનામાં સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો.
ગળું દબાવી યુવાનની કરી હત્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના મણિપુર હાબરડી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સગા ભાઈએ પોતાની પત્ની સાથે મળીને પોતાના જ ભાઈની ગળું દબાવી હત્યા કરી. માતા ભીનીબેન દેવશીભાઈ કરમૂરની ફરિયાદના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
આરોપી અરજણ દેવશી કરમૂર અને તેમની પત્ની જસીબેન અરજણભાઈ કરમુર સાથે મૃતક વીરા દેવશી કરમૂર સાથે અવાર નવાર ઉગ્ર બોલાચાલી થતી હોય અને મૃતક વીરા દેવશી કરમૂરે આરોપી અરજણ દેવશીના ઘરે આવી મન ફાવે તેમ બોલી આખા ઘરને મારી નાખવાની ધમકી આપી આ વાતનું ખાર રાખીને આરોપી પતિ પત્નીએ કાવતરુ રચી તારીખ 7 માર્ચ 2025ના રાતે 1 વાગે મૃતક વીરા દેવશી કરમૂરની વાડીએ જઈ ત્યાં મકાન પાછળ મૃતક વીરા દેવશી સૂતા હતા ત્યારે તેમનું ગળું દબાવી હત્યાને અંજામ આપ્યો હતો.
ભાઈ-ભાભીની ગેરહાજરીથી પોલીસને ગઈ શંકા
જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી મૃતકના બેસણામાં મોટા ભાઈ અને ભાભીની ગેર હાજરી હોય અને તેઓ ગામ છોડી જામ ખંભાળીયા ચાલ્યા ગયાનું જાણવા મળતા દેવભૂમિ દ્વારકા LCB ટીમે બંને આરોપી પતિ પત્નીની અટક કરી LCB ઓફિસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી યુક્તિપૂર્વક હત્યાનું ભેદ ઉકલ્યો ત્યારબાદ બંને આરોપી પતિ પત્નીને જામ કલ્યાપુર પોલીસને કબ્જો સોંપી BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.