- રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં કોન્સ્ટેબલે ઝંપલાવ્યુ
- કિરણસિંહ નામના પોલીસકર્મીએ કોઈ કારણોસર કર્યો આપઘાત
- રીવરફ્રન્ટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. કિરણસિંહ અમરસિંહ નામના પોલીસકર્મીએ આપગાત કર્યો છે. પોલીસકર્મીએ રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. પોલીસકર્મીનું આઈકાર્ડ મળી આવ્યું હતું, તેના દ્વારા ઓળખ કરવામાં આવી છે.પોલીસકર્મીએ કયા કારણોસર આપઘાત કર્યો છે, તે હજુ સામે આવ્યું નથી.
5 માર્ચ 2024ના રોજ અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જેમાં પોલીસની તપાસ દરમિયાન ઘરેથી ચોપડામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મહીલા પોલીસકર્મીએ મિત્રના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ આ યુવક તેણીને નોકરી છોડી દેવા માટે દબાણ કરતો હતો અને ઊંઘવા પણ દેતો ન હતો. એટલું જ નહીં આખી રાત વીડિયો કોલ ચાલુ રાખતો અને શંકા રાખતો હતો. જે અંગે વાસણા પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
16 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવાતી મહિલા પોલીસકર્મી આરતીબેન આપઘાત કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. Srp 2 કવાટર્સમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે મહિલા પોલીસ કર્મીએ પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતુ. નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધીને ઝીંણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી.
18 માર્ચ 2024ના રોજ સુરતમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
સુરતમાં એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી,મહિલા કોન્સ્ટેબલે કે જેઓ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા અને અચાનક આપઘાત કરી લેતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી,ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.તો પોલીસને મૃતક મહિલા પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી,સુસાઈડ નોટમાં શું છે તેનો કંઈ ઉલ્લેખ હજી સુધી પોલીસે કર્યો નથી.
3 મે 2024ના રોજ ભરૂચમાં પોલીસકર્મીનો આપઘાત
ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો,કેમ આપઘાત કર્યો તેને લઈ હજી કારણ અકબંધ છે,તો પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.ભરૂચ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી હતી.