ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે જાણે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. ફરીવાર ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ મોટું ઓપરેશન પાર પાડીને પોરબંદરના દરિયા નજીકથી 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ કાર્યવાહીથી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓનો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો છે. ડ્રગ્સની દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘૂસાડવામાં આવે તે પહેલા જ એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે માફિયાઓને ઘેરી લીધા હતાં. કોસ્ટગાર્ડને જોતાં ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ નાખી ફરાર થઈ ગયા હતાં.
બોટ ડ્રગ્સને દરિયામાં ફેંકીને પાકિસ્તાની જળસીમામાં પહોંચી ગઈ
ગુજરાત ATSના ડીઆજી સુનિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, એટીએસને પાકિસ્તાની સ્મગ્લરોની માહિતી મળી હતી. પોરબંદરના દરિયાકાંઠે 400 કિલો ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળી હતી. એટીએસ દ્વારા આ માહિતી ભારતીય કોસ્ટગાર્ડને શેર કરાઈ હતી. ત્યારબાદ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. પાકિસ્તાનથી આવતુ આ ડ્રગ્સ વાયા ગુજરાત થઈને તામિલનાડુ પહોંચાડવાનું હતું. દરિયામાં સ્મગલરોની બોટનો કોસ્ટગાર્ડે પીછો કર્યો હતો. કોસ્ટગાર્ડને જોઈને આ બોટ ડ્રગ્સને દરિયામાં ફેંકીને પાકિસ્તાની જળસીમામાં પહોંચી ગઈ હતી.
1800 કરોડની કિંમતનું 311 કિલો ડ્રગ્સ પકડાયુ
ATSના ડીઆજી સુનિલ જોશીએ વધુમાં કહ્યું હતું કે, વાદળી રંગના ડબ્બામં ડ્રગ્સ ભરેલું હતું. આ ડબ્બા દરિયામાં નાખી દેવામાં આવે તો પણ તે ડૂબે નહીં તે રીતે તૈયાર કરાયા હતાં. ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાંથી 311 કિલો પેકેટ રીકવર કર્યા હતાં. જેમાં 1800 કરોડની કિંમતનું 311 કિલો ડ્રગ્સ છે. ગત વર્ષે 177 કિલો ડ્રગ્સમાં જે આરોપીનું નામ હતું તેણે જ આ ડ્રગ્સ મોકલ્યું હોવાનું જાણવા મળ્યું હતું. 12-13 એપ્રિલના રોજ રાત્રિના સમયે કરવામાં આવેલા ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત ATS સાથે સંયુક્ત રીતે સમુદ્રમાં ગુપ્ત માહિતી આધારિત નાર્કોટિક્સ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતુ.
આ ઓપરેશન આંતર-એજન્સી સંકલનનું એક ઉત્તમ ઉદાહરણ
આ ઓપરેશન આંતર-એજન્સી સંકલનનું એક ઉત્તમ ઉદાહરણ હતું જેમાં ગુજરાત ATS તરફથી પુષ્ટિ કરાયેલ ઇનપુટના આધારે, કોસ્ટ ગાર્ડ ક્ષેત્ર (પશ્ચિમ) ના એક ICG જહાજ, જે ઉત્તર મહારાષ્ટ્ર/દક્ષિણ ગુજરાત વિસ્તારમાં બહુ-મિશન તૈનાત પર હતું,કાલ્પનિક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL)ની નજીક ટ્રાન્સશિપમેન્ટના પ્રયાસને તે હાથ ધરવામાં આવે તે પહેલાં જ તેને વાળવામાં આવ્યો હતો. ATSના વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ઇનપુટના આધારે, ICG જહાજે રાતના અંધારા છતાં એક શંકાસ્પદ બોટ ઓળખી કાઢી હતી. ICG જહાજ નજીક આવી રહ્યું હોવાનું જાણતાં, શંકાસ્પદ બોટે IMBL તરફ ભાગવાનું શરૂ કરતા પહેલા તેનો માદક દ્રવ્યોનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો.









