પશ્ચિમ અને પૂર્વ ભારતની ભાતીગળ લોકસંસ્કૃતિના સંગમ સમાન માધવપુર મેળાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રામનવમી પર્વની સંધ્યાએ પ્રારંભ કરાવ્યો હતો અને 30 કરોડના ખર્ચે નિર્માણ થયેલ યાત્રી સુવિધાઓનું લોકાર્પણ પણ કર્યું હતું


મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે, માધવપુરનો મેળો શ્રીરામ અને શ્રીકૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું પ્રતીક છે. એક તરફ શ્રીરામના જન્મોત્સવની દિવ્યતા છે અને એક તરફ ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ઉત્સવની ભવ્યતા છે. તેમણે ઉમેર્યું કે માધવપુરનો મેળો એ માત્ર ધાર્મિકોત્સવ જ નહિં, પરંતુ આપણી એકતા, સાંસ્કૃતિક વિરાસત અને પરસ્પરના પ્રેમનું જીવંત પ્રતિક છે.

ભગવાન શ્રીકૃષ્ણના પશ્ચિમ પ્રદેશ અને રુકમણીજીના પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'એક ભારત શ્રોષ્ઠ ભારત'નો જે સંકલ્પ આપ્યો છે તે આવી મેળા સંસ્કૃતિમાં અલગ-અલગ પ્રદેશોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ, ખાન-પાન વ્યંજનો, હસ્તકલા કારીગરી વસ્તુઓના આદાન-પ્રદાનથી ભલિભાંતિ સાકાર થાય છે.


  • Follow us on: