સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા રોડથી હજીરપુરા ગામ નજીક બુધવારે રાત્રે અકસ્માત સર્જાયો છે. દરમિયાન આજ સ્થળ અન્ય બે વાહન પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં બે જણાના મોત થયા હતા. તો બીજી તરફ ટ્રીપલ અકસ્માતને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત થયા બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલમાં મોકલી અપાય બાદ પ્રાંતિજ પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન અકસ્માત થયા બાદ એક ડમ્પરચાલક રાત્રે અંધારામાં ભાગી રહ્યો હતો ત્યારે અચાનક તે પણ કુવામાં પડી ગયો હતો. ત્યારબાદ તેને બહાર કાઢી સારવાર માટે પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલાયો હતો. અકસ્માત અંગે સૂત્રોમાંથી મળતી મહિતી મુજબ, પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા રોડ પર હજીરપુરા ગામ નજીક બુધવારે રાત્રે 10:30 વાગ્યાના સુમારે અજાણ્યા ડમ્પરે બાઈકને અડફેટે લીધી હતી. જેથી અકસ્માતમાં 25 વર્ષીય પુત્રનું મોત થયું છે. જ્યારે પિતા ગંભીર રીતે ઘવાતા સારવાર માટે તાત્કાલિક હિંમતનગર સિવિલમાં મોકલી અપાયા હતા. દરમિયાન બાઇક પર સવાર અન્ય યુવાનનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એટલુ જ નહીં પણ અકસ્માતને કારણે ડમ્પરનો ચાલક ભાગી જવાનો પ્રયાસ કરતો હતો ત્યારે અંધારામાં અચાનક આ ચાલક કુવામાં ખાબક્યો હતો. જોકે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ આવી કુવામાં પડી ગયેલા ડમ્પરના ચાલકને બહાર કાઢયો હતો. અને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. અકસ્માતની ઘટના અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઓ દુલેસિંહે જણાવ્યું કે, પોલીસને અકસ્માતની જાણ થતાં તુરંત જ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક અને ઈજાગ્રસ્ત ત્રણેય યુવાનો પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના છે.



  • Follow us on: