રાજ્ય સહિત દેશભરમાં આગામી 27મી જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. જગતના નાથ બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળશે. ત્યારે ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ અષાઢી બીજના રોજ નીકળશે. સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાંથી નીકળે છે. છેલ્લા 39 વર્ષથી ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે અને આ વર્ષે 27 જૂનને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કાઢવામાં આવશે.
સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
ત્યારે 40મી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો હતો. સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરા મુજબ રથયાત્રાને એક માસ પહેલા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે આજે તારીખ 1 જૂનને રવિવારના રોજ ભાવનગર શહેરના કાળુભા રોડ સત્યનારાયણ ભગવાનના મંદિરની સામે રથયાત્રા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ ઉદ્ઘાટન સમારંભમાં સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદની રથયાત્રાને લઈને પણ ચાલી રહી છે તૈયારીઓ
બીજી તરફ વિશ્વ વિખ્યાત અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે. મંદિર દ્વારા તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ભગવાનના શાહી સવારી એવા રથને પણ શણગાર કરવાનો શરૂ કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજી જે રથમાં બિરાજમાન થઈને નીકળવાના છે તે ત્રણેય રથનું આગવું મહત્વ રહેલું છે, આ ત્રણેય રથને ખીલ્લી કે લોખંડ વિના બનાવવામાં આવતા હોય છે અને એ જ રથોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યાએ ભક્તોને મળવા જાય છે, તે પરંપરાગત રથોની કામગીરી રંગ રોગાન સહિતની અંદાજિત 20 દિવસ જેટલો સમય લાગશે. હાલ તો ખલાસી બંધુઓએ ત્રણેય રથના પૈસા, કલર કામ તૂટેલો કોઈ ભાગ તે સહિતનું સમારકામ શરૂ કર્યું છે.









