• મેચ બાદ સોમવારે PM મોદી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરશે

  • ભાજપ શાસિત રાજ્યોના CM ક્રિકેટ મેચ જોવા કાલે અમદાવાદ આવશે
  • રવિવારે BRTS, મેટ્રો, AMTSની ફ્રિકવન્સી વધારવા CMની સૂચના

19મી નવેમ્બરને રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ ક્રિકેટ ફાઈનલ મેચમાં આ બંને દેશોની ટીમને પ્રોત્સાહિત કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ પણ ઉપસ્થિત રહેશે. તદ્ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારત સરકારમાંથી ગૃહમંત્રી અમિત શાહ સહિત મંત્રી મંડળના સભ્યો, ભાજપ શાસિત દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શનિવારથી અમદાવાદ આવી પહોંચશે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છેલ્લા તબક્કાના ચૂંટણી પ્રચાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોર પછી અમદાવાદ આવી પહોચશે. તેઓ એરપોર્ટથી સીધા મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારી ક્રિકેટ મેચમાં ઉપસ્થિત રહશે. મેચ પૂર્ણ થયા બાદ તેઓ ગાંધીનગર સ્થિત રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. જ્યા હજી સુધી કોઈ મિટિંગ શિડયૂલ થઈ નથી પરંતુ, રાજ્યનું વહીવટી તંત્ર વાઈબ્રન્ટ સમિટ- 2024ની પૂર્વ તૈયારી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક માટે તૈયારીઓ કરી રહ્યાનું જાણવા મળ્યું છે. રવિવારે રાજભવનમાં રોકાણ બાદ વડાપ્રધાન મોદી રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચારઅર્થે જશે.

રવિવારે BRTS, મેટ્રો, AMTSની ફ્રિકવન્સી વધારવા CMની સૂચના

વર્લ્ડ કપ ક્રિકેટ મેચ દરમિયાન સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક મેનેજમેન્ટના આગોતરા આયોજન સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ચીફ સેક્રેટરી રાજકુમાર, CMOના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, ગૃહ વિભાગના ACS મુકેશ પુરી પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે મેચ જોવા આવનારા નાગરીકોને તકલીફ ન પડે અને ટ્રાફિક ન ખોરવાય તે ઉદ્દેશ્યથી રવિવારે BRST, મેટ્રો રેલ, AMTS જેવી નાગરીક પરિવહન સેવાઓની ફિકવન્સી વધારવા સુચના આપી હતી. સાથે જ મહાનુભાવોના આવાગમનને તબક્કે અને રૂટિન નાગરીક સેવાઓને અવરોધ ન સર્જાય તેવી રીતે ટ્રાફિક ડાયવર્ઝન ગોઠવવા અને તેનો બહોળો પ્રચાર કરવા પણ સુચવ્યુ હતુ.


  • Follow us on: