• FCA મુજબ તથા NBWFની મંજૂરીઓ લેવાતી નથી

  • બાલારામ-અંબાજી અભયારણ્ય તથા તેના ઇકોઝોનમાં આ રીતે પ્રોજેક્ટો થઈ રહ્યાં છે !
  • 'કેગ' દ્વારા રાજ્યના 6 અભયારણ્યો અંગે થયેલા લેટેસ્ટ ઑડિટ રિપોર્ટ જાહેર

રાજ્યના જંગલ વિસ્તારમાંથી અભયારણ્યોમાંથી ઈકો સેન્સિટિવ ઝોનમાંથી પસાર થતાં રસ્તાઓ પહોળા કરવા હોય, એમાંથી કોઈ વિકાસ યોજના પસાર કરવી હોય તો જંગલનો વિષય કન્કરન્ટ લિસ્ટમાં હોઈ વનસંરક્ષણ ધારા, 1980 હેઠળ કેન્દ્રના વન-પર્યાવરણ મંત્રાલયની તથા નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની પૂર્વમંજૂરી લેવાની હોય છે, પરંતુ ગુજરાતમાં એવી લાલિયાવાડી અને બેદરકારી ચાલે છે કે, કહેવાતા વિકાસ પ્રોજેક્ટો માટે કોઈ પૂર્વમંજૂરી જ લેવાતી નથી અને લેવાય છે, તો કામ પૂર્ણ થઈ ગયું હોય કે પતવા આવ્યું હોય ત્યારે મંજૂરી લેવાય છે. 'કેગ' દ્વારા રાજ્યના 6 અભયારણ્યો અંગે થયેલા લેટેસ્ટ ઑડિટ રિપોર્ટમાં આ બાબત ઉજાગર કરી આલોચના કરવામાં આવી છે, જેમ કે બાલારામ-અંબાજી અભયારણ્ય અને તેના ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં દાંતા-અંબાજી રાજ્ય ધોરી માર્ગને પહોળા કરવા માટે ચેઇનેજ માપ 97થી 94/480 અને 101/400થી 102/352ના સંદર્ભમાં પરિયોજના ઘડાઈ હતી અને 13 જૂન-2018ના રોજ કાર્યઆદેશ આર એન્ડ બી દ્વારા બહાર પડયો હતો પણ એજન્સીએ 2020માં કામ પૂર્ણ કર્યું, એમાં 4 પૈકી 3 પેકેજમાં એફસીએ હેઠળ તથા નેશનલ બોર્ડ તરફથી પૂર્વમંજૂરી જ નવેમ્બર-22 સુધી લેવાઈ હતી, જ્યારે અન્ય એક પેકેજમાં કામ શરૂ થયા બાદમાં ઓગસ્ટ-2019માં તથા જુલાઈ-2020માં પૂર્વમંજૂરીઓ આવી હતી. 'કેગ' દ્વારા આ બાબતમાં નોંધાયું છે કે કાયદાનું ઉલ્લંઘન સરિયામ થયું છે અને પરિયોજનાની નકારાત્મક અસરોથી વનજીવન સંવેદનશીલ બન્યું છે. આવું જ ડાંગના પૂર્ણા અભયારણ્ય અને તેના ઇકો સેન્સિટિવ ઝોનમાંથી પસાર થતા વ્યારા-ભેંસ કાતરી-કાલીબેલ- પિંપરી રોડને પહોળો કરવાની યોજનામાં તથા શૂલપાણેશ્વર અભયારણ્યના ઇકો સેન્સિટિવ ઝોનમાંથી પસાર થતા દેવલિયાથી રાજપીપળા રાષ્ટ્રીય ધોરીમાર્ગને પહોળો કરવાની યોજનામાં બન્યું છે.

તારંગા-અંબાજી બ્રોડગેજ યોજનામાં હવે DFOનો ખુલાસો મગાશે

 તાજેતરમાં સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડની મિટિંગમાં રાજ્યના બાલારામ-અંબાજી અભયારણ્યના ઇકો સેન્સિટિવ ઝોનમાં તારંગાહિલ-અંબાજી-આબુરોડ રેલવે લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાની યોજનાને મંજૂરી અપાઈ છે અને હવે આ યોજના નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની મંજૂરી માટે દિલ્હી મોકલાઈ છે. પરંતુ 'કેગ' દ્વારા અભયારણ્યો તથા તેના ઇકો સેન્સિટિવ ઝોનમાં હાથ ધરાતી યોજનાઓ અંગે ટીકા થઈ છે, ત્યારે રાજ્યના વનવિભાગના ટોચના સૂત્રો કહે છે કે, સદર યોજનાને ડીએફઓ દ્વારા કઈ રીતે પરમિશન અપાઈ તે બાબતમાં તેનો ખુલાસો માગવામાં આવશે.


  • Follow us on: