• દેહવ્યાપારના ધંધાની માસ્ટર માઇન્ડ મહિલા નીકળી :અન્ય બે ઇસમો સહીત ત્રણ ઝડપાયા

  • સ્પામાંથી બે યુવતીઓ મળી : નોકરીની લાલચે બહારથી યુવતીઓને બોલાવી અનૈતિક વ્યાપાર કરાતો
  • પોલીસે આ મામલે મહિલા સહીત ત્રણને ઝડપી પાડીને ગુનો નોંઘ્યો હતો

રણાસણ રીંગરોડ સર્કલ પાસે આવેલા એટલાન્ટા બિઝનેસ હબમાં સ્પા મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. મસાજ પાર્લરમાં નોકરી આપવાના બહાને બહારથી છોકરીઓ બોલાવીને પૈસા કમાવવાની લાલચ આપી અનૈતિક ધંઘો કરાવાતો હતો. સ્પામાંથી દેહવ્યાપાર માટે બોલાવામાં આવેલી બે યુવતીઓ મળી આવી હતી. પોલીસે નકલી ગ્રાહક મોકલીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરતા કોમ્પલેક્ષમાં ધમધમતા અન્ય સ્પા તથા મસાજ પાર્લરોના સંચાલકો પણ ફફડી ઉઠયા છે. સમગ્ર રેકેટનુ સંચાલન એક મહિલા કરતી હતી, જ્યારે બે ઇસમો બહારથી યુવતીઓ લાવતા હતા. પોલીસે આ મામલે મહિલા સહીત ત્રણને ઝડપી પાડીને ગુનો નોંઘ્યો હતો.

ડભોડા પોલીસ સ્ટેશન ખાતે મુકાયેલા મદદનિશ પોલીસ અધિક્ષક સુમન નાલાની સતર્કતાથી સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. તેઓને બાતમી મળી હતી કે, રણાસણ સર્કલ પાસે એટલાન્ટા બિઝનેસ હબમાં બીજા માળે આવેલી શોપ નંબર-210માં લકી બ્યુટી સ્પામાં દેહવ્યાપારનો ખોરખધંધો ચાલે છે. લકી સ્પાનું સંચાલન કરતી મહિલા મસાજના બહાને યુવતીને દેહવિક્રયમાં ધકેલીને ગ્રાહકો પાસેથી 2 હજાર રુપિયા લેતી હતી. જેમાંથી 500 રુપિયા પોતે રાખીને 1500 રુપિયા દેહવ્યાપારમાં રહેલી યુવતીઓ અને યુવતીઓ લાવતા ઇસમોને આપતી હતી. સમગ્ર બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક ઉભો કરીને સ્પામાં મોકલ્યો હતો. પોલીસની જાળમાં સ્પા સંચાલક મહિલા આવી જતાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. જેમાં દેહવ્યાપારની પ્રવૃતિનો ભોગ બનેલી બે યુવતીઓ મળી આવી હતી. જ્યારે સ્પાનુ સંચાલન કરતી મહિલા તેમજ બહારથી યુવતીઓ લાવી આપતા બે ઇસમો ઝડપાઈ ગયા હતા. ડભોડા પોલીસે સ્પામાંથી હરીશંકર ભવાની ફેર ઉર્ફે ગુપ્તાજી તથા સોતાન ઉર્ફે બાબુશા (બંને રહે- એટલાન્ટા બિઝનેસ હબ,રણાસણ) તથા સ્પાનુ સંચાલન કરતી મહિલા સામે ગુનો નોંધ્યો હતો. સ્થળ ઉપરથી રોકડ સહીત 1.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ડભોડા પોલીસે નકલી ગ્રાહકને તૈયાર કરીને મોકલ્યો હતો. જેમાં દેહવ્યાપાર થતો હોવાની પાકી ખાતરી થતાં ડમી ગ્રાહકે યુવતી સાથે રુમમાં પહોંચતા જ સિગ્નલ આપ્યું હતું. જેને પગલે પહેલાંથી બહાર ગોઠવાયેલી પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી.

મહિલા બે વર્ષથી સ્પા ચલાવે છે

સ્પા સંચાલક મહિલાની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તે છેલ્લા બે વર્ષથી લકી બ્યુટી સ્પા ચલાવે છે અને દુકાન ભાડેથી રાખેલી છે. સ્પામાં છોકરીઓને હરીશંકર ભવાની ફેર ઉર્ફે ગુપ્તાજી તથા સોતાન ઉર્ફે બાબુશા બંને દેહવિક્રય માટે લાવી આપે છે.

મળી આવેલી બે યુવતીઓમાંથી એક અમદાવાદની

પોલીસે રેડ કરી ત્યારે સ્પાના પ્રથમ રુમમાંથી નકલી ગ્રાહક તથા યુવતી મળી આવ્યા હતા. તથા અન્ય એક અમદાવાદની યુવતી પણ મળી હતી. જે છેલ્લા ચાર મહિનાથી આવી હોવાનુ જણાવ્યુ હતુ. ભોગ બનનાર યુવતીને મહારાષ્ટ્રના રાયગઢ વિસ્તારમાંથી લવાઇ હતી. જે છેલ્લા ત્રણ મહિનાથી સ્પામાં મસાજ કરવા આવી હતી. ગ્રાહકો પાસેથી લેવાતા 2 હજારમાંથી સંચાલક મહિલા 500, યુવતીને 500 અને 1 હજાર યુવતીઓ લાવતા બંને ઇસમો લઇ લેતા હતા.


  • Follow us on: