પાટણ જિલ્લા એલસીબી પોલીસ ગતરાત્રિના સમયે રાધનપુરમાં પેટ્રોલિંગમાં હતી તેવા સમયે પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે લક્ઝરીમાં બનાવેલ ગુપ્ત ખાનામાં વિદેશી દારૂ ભરી રાધનપુર તરફ બસ આવી રહી છે.
જે માહિતી આધારે પાટણ એલસીબીએ પોલીસ વડવાળા છાત્રાલય પાસે રોડ પર નાકાબંધી કરી લક્ઝરી બસને રોકી ઊંડાણ પૂર્વક તપાસ કરી હતી.જે બસની પાછળની સીટ નીચેના ગુપ્ત ખાનામાંથી વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 765 બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ.1,19,257 છે. પોલીસે લક્ઝરી બસ (કિંમત રૂ.10 લાખ) અને બે મોબાઇલ (કિંમત રૂ.10,000) સહિત કુલ રૂ.11,29,257નો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરી કરનાર બાલોત્રાના ઉમારામ ઉર્ફે ઓમપ્રકાશ મેઘવાલ અને વિજયકુમાર જાટ (બને રહે રાજસ્થાન) આ બંને આરોપીને ઝડપી રાધનપુર પોલીસ મથકે લાવી દારૂના હેરી ફેરીમાં સંડોવાયેલા અન્ય ઈસમો ની તપાસ હાથ ધરી બંને સામે ગુનો નોંધ્યો હતો.










