રાધનપુરનગરમાં વારંવાર ચોરીના ઘટના બનતા રાધનપુરના વેપારીઓમાં ફ્ફ્ડાટ ફેલાઈ જવા પામ્યો છે. અને વારંવાર થતી ચોરીને અટકાવવા માટે અને અગાઉ થયેલી ચોરીના ભેદ ઉકેલવા માટે રાધનપુરના વેપારીઓએ શનિવારે રાધનપુર નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
ત્યારબાદ રાત્રિના સમયે રાધનપુરના વેપારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર તેમજ રાધનપુરના ડીવાયએસપી ડી. ડી .ચૌધરી સાથે ચોરીના ગુનાઓને અટકાવવા માટે બેઠક કરી હતી. જે બેઠકમાં વેપારીઓએ ધારાસભ્ય તેમજ ડીવાયએસપી સમક્ષ માંગ કરી હતી કે છેલ્લા 4 માસમાં રાધનપુર નગરમાં ઘરફેડ ચોરી તેમજ વેપારીઓની દુકાનમાં તસ્કરો વારંવાર ત્રાટકીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. તો તાત્કાલિક ધોરણે રાધનપુર નગરમાં થયેલી ચોરીનો પોલીસ દ્વારા ભેદ ઉકેલવામાં આવે અને અગાઉ થયેલી ચોરીઓની પોલીસ દ્વારા જે ફરિયાદ લેવામાં નથી આવી તેની ફરિયાદો લેવામાં આવે અને અને રાધનપુર નગરમાં રાત્રિના સમયે પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી માગ કરી હતી.










