- એરપોર્ટ પર રાહુલ ગાંધીએ નેતાઓ સાથે 15 મિનિટ સુધી કરી ચર્ચા
- રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે
- રાહુલ ગાંધી જેલમાં બંધ નેતાઓના પરિવારજનો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે એરપોર્ટ પર રાહુલ ગાંધીએ નેતાઓ સાથે ચર્ચા કરી છે. લગભગ 15 મિનિટ સુધી રાહુલ ગાંધીની નેતાઓ સાથે ચર્ચા થઈ. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય ઉમટ્યા છે અને ઢોલ નગારા સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે. આ સાથે જ રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરોને સંબોધન કરશે.
પીડિત પરિવારજનો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા
ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે, ત્યારે પીડિત પરિવારજનો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે, ત્યારે રાહુલ ગાંધી જેલમાં બંધ નેતાઓના પરિવારજનો સાથે મુલાકાત કરશે સાથે જ મોરબી બ્રિજ દુર્ઘટના, અગ્નીકાંડ, હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારોને પણ મળશે. ત્યારે અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય સુધીના રસ્તા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે અને ઠેરઠેર કોંગ્રેસ કાર્યકર્તાઓ રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે પહોંચી ગયા છે.
રાહુલ ગાંધી કાર્યકર્તાઓને મળવા પહોંચે તે પહેલા કસ્ટડીમાં મોકલી દેવાયા
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓને મળવા વાસણા પોલીસ સ્ટેશન જવાના હતા, ત્યારે રાહુલ ગાંધી વાસણા પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ કાર્યકર્તાઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ રિમાન્ડનો સમય પૂર્ણ થાય તે પહેલા જ કાર્યકર્તાઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈ VHPના કાર્યકરોમાં રોષ
રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈને VHP કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલડીમાં VHP કાર્યાલય બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરી રહેલા VHPના કાર્યકર્તાઓની અટકાયત પણ કરાઈ છે. VHPના કાર્યકરોએ વિરોધ નોંધાવતા જય શ્રી રામના નારા લગાવ્યા.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના ગંભીર પ્રહારો
ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યા હતા અને ગંભીર પ્રહારો કરતા કહ્યું કે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા હતા, પોલીસે આરોપીઓને વહેલા રજૂ કરાતા કોર્ટે વેધક સવાલ પૂછ્યા છે. ત્યારે પોલીસે રથયાત્રાનું કારણ આગળ ધર્યુ છે.









