- લાડાણી અને ઓરબેટ ગ્રુપના માલિક, ભાગીદાર સહિત પર દરોડા
- એકાઉન્ટન્ટ વિરાજના નિવાસસ્થાનને પણ દરોડા પાડવામાં આવ્યા
- ટવીન ટાવર ગ્રુપને પણ નિશાને લેવામાં આવ્યું હતું
રાજકોટ આવકવેરા ઈન્કમટેકસ વિંગ દ્વારા આજે સવારથી ટોચના બિલ્ડર ગ્રુપોને નિશાન બનાવીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ-સૌરાષ્ટ્રનો સૌપ્રથમ 40 માળનો બિલ્ડીંગ પ્રોજેકટ જાહેર કરનારા અને ટુંકા ગાળામાં 3 મોટા પ્રોજેકટ બનાવનારા લાડાણી એસોસીએટસના દિલીપ લાડાણી ઝપટે ચડી ગયા હતા.

એકાઉન્ટન્ટ વિરાજના નિવાસસ્થાનને પણ દરોડા પાડવામાં આવ્યા
કાલાવડ રોડ પરના દિલીપ લાડાણી નિવાસસ્થાન તથા મવડી પાસેની ઓફિસ પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય તેમના કનેકશનમાં પણ 12 સ્થળોએ કાફલો ત્રાટકયો હતો. તેમના એકાઉન્ટન્ટ વિરાજના નિવાસસ્થાનને પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ સિવાય લાડાણી સાથે ભાગીદારી-કનેકશન ધરાવતા ઓરબેટ ગ્રુપને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. મોટામવામાં રહેતા વિનસ પટેલ તથા તેમના ભાઈઓના નિવાસસ્થાન તથા ઓફિસો પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટવીન ટાવર ગ્રુપને પણ નિશાને લેવામાં આવ્યું હતું
આ ઉપરાંત કોટેચા ચોક પાસે આકાર પામી રહેલા ટવીન ટાવર ગ્રુપને પણ નિશાને લેવામાં આવ્યું હતું. આ પ્રોજેકટમાં લાડાણી ગ્રુપ ઉપરાંત દાનુભા, તેમના પુત્ર અર્જુન, મયુર રાદડીયા, મહીપતસિંહ ચુડાસમાના સ્થળોએ પણ સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવકવેરા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે સવારથી બિલ્ડરો તથા તેના ભાગીદારો અને કનેકશન ધરાવતા 30 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.