અમદાવાદમાં તેજ પવન સાથે વરસાદ રહેશે. જેમાં રાજયમાં પડેલા વરસાદથી જળાશયો છલોછલ થયા છે. તેમજ અમદાવાદના વાસણા બેરેજના 13 દરવાજા ખોલ્યા છે. વાસણા બેરેજના તમામ 13 દરવાજા 5 ફૂટ ખોલાયા છે. તેમજ પાણીની આવકથી વાસણા બેરેજમાંથી પાણી છોડાયું છે. વાસણા બેરેજથી 13442 ક્યૂસેક પાણી છોડાયું છે.
નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઇ
નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. ભાટ, બદરખા, બાવળા, ધોળકાના ગામોને એલર્ટ કરાયા છે. રાજયમાં પડેલા વરસાદથી જળાશયો છલોછલ થયા છે. જેમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના 13 દરવાજા ખોલ્યા છે. તેમજ સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. તથા વાસણા બેરેજથી 13,442 ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે પણ સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે અમદાવાદ શહેરમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થઇ ગયો હતો. જેમાં છેલ્લા 6 દિવસમાં જ 40 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં 24 ઓગસ્ટ સુધી 19.29 ઈંચ સાથે સરેરાશ 60 ટકા વરસાદ વરસ્યો છે. જેની સરખામણીએ હવે 32.12 ઈંચથી વધુ વરસાદ આવી ચૂક્યો છે.
ઓઢવમાં 39.56 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે
અમદાવાદ શહેરમાં ગઈકાલે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ અનેક વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. જોધપુર વિસ્તારમાં સૌથી વઘુ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં અડધો ઈંચ વરસાદ પડ્યો તેમાં રામોલ, ચકુડિયા, બોડકદેવ, સાયન્સ સિટી, ગોતા, ઉસ્માનપુરા, ચાંદખેડા, વાસણા બેરેજ, સરખેજ, જોધપુર ઝોનલ, બોપલ, દુધેશ્વર, નરોડા, મણિનગર જેવા વિસ્તારનો સમાવેશ થાય છે. ઝોન પ્રમાણે જોવામાં આવે તો વેસ્ટ ઝોન, નોર્થ વેસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોનમાં અડધા ઈંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાંથી ચોમાસાની વર્તમાન સિઝનમાં નરોડામાં સૌથી વઘુ 53 ઈંચ, મણિનગરમાં 44 ઈંચ, ઓઢવમાં 39.56 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.









