સુરત શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, શહેરના અનેક રોડ રસ્તા પાણી પાણી થયા છે ત્યારે મોરા ભાગળ ચાર રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, તો પાણી ભરાતા ઘણા વાહનો પાણીમાં અટવાઈ ગયા છે, તો વહેલી સવારે નોકરી જતા લોકોને પણ વરસાદના કારણે હાલાકી પડી રહી છે.
સુરતમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે સાથે સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કોર્પોરેશનની આબરૂના ધજાગરા ઉડયા છે કેમકે હજી તો ચોમાસુ બેઠુ પણ નથી અને તે પહેલા વરસાદી પાણી ભરાઈ ગયા છે, કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન આ વખતે સુરતીઓને વરસાદી પાણી ભરાવાથી રાહત આપે છે કે નહી તે જોવાનું રહ્યું. સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ છે તો વરસાદમાં શું સ્થિતિ થશે તે કલ્પી શકો છો.
સુરતમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી
સુરતમાં ડભોલી હરિદર્શનના ખાડા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે જેમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, ડભોલીમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે તેવી આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે, તો પાણી ભરાવાની વર્ષોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ નિવડયું હોવાની વાત છે.
આ વખતે વહેલુ ચોમાસુ બેસવાની આગાહી
આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ તેનાં નિર્ધારિત સમય કરતા ૩-૪ દિવસ વહેલું કેરળમાં દસ્તક દેશે તેવાં એંધાણ છે. હવામાન ખાતાની આગાહી મુજબ કેરળમાં ૨૭મી મેના રોજ ચોમાસુ શરૂ થઈ જશે. જો તે વહેલું કેરળમાં પહોંચશે તો વર્ષ 2009 પછી તે સૌથી વહેલું દસ્તક દેશે તેમ મનાય છે. વર્ષ 2009માં ૨૩મી મેનાં રોજ કેરળમાં ચોમાસુ બેસી ગયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 4 થી 5 દિવસમાં ચોમાસુ શરૂ થાય તેવી સિસ્ટમ બની રહી છે. સામાન્ય રીતે ચોમાસુ ૮ જુલાઈ સુધીમાં આખા દેશમાં વ્યાપી જતું હોય છે.
13 રાજ્યોમાં વરસાદની ચેતવણી અરબી સમુદ્રમાં ચક્રવાતી પેટર્ન સર્જાઈ
હવામાન ખાતાએ મધ્યપ્રદેશ અને યુપી સહિત ૧૩ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. અહીં યલો એલર્ટ જાહેર કરાયેલ છે. અરબી સમુદ્રની ૧.૫ કિમી ઉપર ચકવાતી પેટર્ન બની રહી છે. જે ૨૩મી મે સુધીમાં કર્ણાટક્સ કેરળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોને પ્રભાવિત કરશે. અહીં બીજી એક ચક્રવાતી સિસ્ટમ પણ આકાર લઈ રહી છે. આ કારણે દક્ષિણના રાજ્યો, મહારાષ્ટ્ર કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.









