અમદાવાદમાં મોડી રાતથી વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, બાપુનગરના અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે તો પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને પાણીમાંથી વાહન પસાર કરવું પડે છે, તો ઘણા વાહનચાલકોના વાહનો પણ પાણીમાં બંધ પડી જવાની ઘટના બની છે.
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ પડયો
અમદાવાદમાં મોડી રાત્રે એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા છે અને 3 દરવાજા ખોલી 210 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે, હાલ વાસણા બેરેજનું પાણીનું લેવલ 121.5 ફૂટ છે.
અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા
અમદાવાદના પૂર્વ વિસ્તાર બાપુનગર, નરોડા, નિકોલમાં પાણી ભરાયા છે તો અમદુપુરા વોરાના રોઝા પાસે ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે, નજીવા વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી છે, પ્રિ-મોન્સૂનના વરસાદમાં જ તંત્રની ખુલી પોલ અને સ્થાનિકોએ કોર્પોરેશન અને કોર્પોરેટર સામે ગુસ્સો ઠાલવ્યો હતો. અજીત મિલ ક્રોસ રોડ પાસે અને કાંકરિયા યાર્ડ પાસે પણ ભરાયા વરસાદી પાણી.
અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ
AMCની પ્રિ-મોન્સૂન કામગીરી હજુ પણ અધૂરી છે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદાયા છે અને વરસાદ પડતા ખાડામા વરસાદી પાણી ભરાયા છે અનિલસ્ટાર્ચ મિલ રોડ પર ડ્રેનેજની કામગીરી અધૂરી છે અને અધૂરી કામગીરીથી ખાડામાં ખાબકી જવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે, ચોમાસા પહેલા પૂર્ણ થનાર તંત્રની કામગીરી અધૂરી છે અને ગટરમાં પાણી જવાને બદલે પાણી બહાર નીકળે છે.
ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી
અમદાવાદના રિલિફ રોડ પર આવેલ ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી થતા એક વ્યકિતનું મોત થયું છે, ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ દૂર કર્યો હતો.









