- જસદણના ઈશ્વરીયા ડેમમાં પાણીનો પ્રવાહ વધ્યો
- કરમાર પીપળીયા ગામમાં વરસાદી પાણી ઘુસ્યા
- 10 લોકોને રેસ્કયુ કરી બચાવવામાં આવ્યા
રાજકોટમાં પાણીના પ્રવાહમાં 15 લોકો તણાયા હતા. જેમાં SDRFની ટીમ કામે લાગી છે. તેમાં બાળકનું દિલધડક રેસ્ક્યુ કરાયું છે. જસદણના ઈશ્વરીયા ડેમમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. જેથી ઈશ્વરીયા તેમજ કરમાર પીપળીયા ગામમાં વરસાદી પાણી ઘુસ્યા છે.
10 લોકોને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા
પાણીના પ્રવાહમાં 15 લોકો તણાયા હતા. જેમાં 10 લોકોને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે. તેમજ પાંચ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. તથા રેસ્ક્યુ કરવા માટે SDRFની ટીમના 35 જવાનો કામે લાગ્યા છે. રેસ્ક્યુ કરવા માટે મંત્રી કુંવરજી બાવળિયાએ સૂચના આપી છે. તથા વાયુ સેનાની મદદ લેવાઈ રહી છે. હાલ જસદણ મામલતદાર ટીડીઓ સહિતનો વહીવટી સ્ટાફ સ્થળ પર પહોંચ્યો છે. જેમાં નાનકડા એવા બાળકને રેસ્ક્યુ કરી બહાર કઢાયો છે.
સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર એક ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા
સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર એક ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાદર એક ડેમમાં હાલ પુષ્કળ પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ, ગોંડલ, જેતપુર પંથકના લોકોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ડેમના તમામ 29 દરવાજા 5 ફૂટ ખોલાયા છે. ડેમમાં 100125 કયુસેક પ્રવાહની આવક સામે 43700 કયુસેક પ્રવાહની જાવક થઈ છે. ભાદર એક ડેમ ખેડૂતોની જીવાદોરી સમાન છે. ડેમ ઓવરફ્લો થતાં લોકો ડેમ સાઈટ ઉપર નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.









