રાજકોટ માર્કેટિંગ યાર્ડ સતત છ દિવસથી બંધ રહ્યું છે. 146 વેપારીઓ સાથે 17 કરોડની ઠગાઈથી રોષ ફેલાયો છે. યાર્ડ બંધ રહેતા 120 કરોડથી વધુના સોદા અટકી પડ્યાં છે. પોલીસે ઠગાઈ કરનારા આરોપીઓને ઝડપી પાડ્યાં છે. વેપારીઓએ તેમના નાણા પરત મળે તેવી માગ કરી છે. આજે સવારે 11 વાગ્યે યાર્ડ ખાતે વેપારીઓની બેઠક યોજાશે. આ બેઠક બાદ યાર્ડ કાર્યરત કરવા નિર્ણય લેવાઈ શકે છે.
146 વેપારીઓ સાથે 17 કરોડની ઠગાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ માર્કેટ યાર્ડમાં આરોપી બિપીન ઢોલરિયા અને નીતેશ ઢોલરીયાએ 145 કમિશન એજન્ટ પાસેથી જીરું ખરીદ્યા બાદ રૂ.17 કરોડથી વધુ રકમની ઠગાઈ આચરી હતી. ત્યારબાદ માર્કેટ યાર્ડના વેપારીઓએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી.આરોપીઓ પકડાઇ ગયા બાદ પણ વેપારીઓની સોમવારે હડતાળ ચાલુ રહી હતી અને હજુ પણ વેપારીઓ હરાજી શરૂ કરવાના મૂડમાં ન હોવાથી આજે મંગળવારે સાતમા દિવસે પણ હડતાળ ચાલુ રહે તેવી શક્યતાઓ છે. બીજી તરફ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા હડતાળ સમેટી લેવા વેપારીઓને સમજાવશે તેવું જાણવા મળ્યું છે.
વેપારીઓને સમજાવીને મામલો થાળે પાડવાના પ્રયત્નો કરાશે
રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ મીડિયાને કહ્યું હતું કે, યાર્ડના વેપારીઓ એક અઠવાડિયાથી હડતાળ કરી રહ્યાં છે. છેતરપિંડી કરનારા બંને આરોપીઓ પકડાઈ ગયા છે. હવે હડતાળ ચાલુ રાખવાથી કોઈને ફાયદો થાય એમ નથી. પોલીસ તેનું કામ કરી રહી છે. વેપારીઓએ પણ હરાજી શરૂ કરવી જોઈએ. મંગળવારે તમામ કમિશન એજન્ટો સાથે બેઠક છે. જેમાં વેપારીઓને સમજાવીને મામલો થાળે પાડવાના પ્રયત્નો કરાશે.









