• અગ્નિકાંડમાં સંડોવાયેલા વોર્ડ નંબર 10ના એટીપીઓ સામે કાર્યવાહી

  • અત્યાર સુધીમાં મહાનગરપાલિકાના આઠ અધિકારી સસ્પેન્ડ થયા
  • બનાવટી દસ્તાવેજો ઊભા કર્યા તેમજ પુરાવાનો નાશ પણ કરતાં ધરપકડ

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં સડોવાયેલા મહાનગરપાલિકાના પૂર્વ મુખ્ય ટાઉન પ્લાનિંગ ઓફ્સિરને બચાવવા માટે રેકોર્ડમાં છેડછાડ કરનાર એટીપીઓ રાજેશ મકવાણાને મહાનગરપાલિકાએ સસ્પેન્ડ કર્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, દુર્ઘટના બાદ મનસુખ સાગઠિયા એ ટાઉન પ્લાનિંગ શાખામાં પોતાના મળતીયા સ્ટાફ્ સાથે સરકારી રેકર્ડમાં છેડછાડ કરી હતી.

આ કેસ સંદર્ભે વોર્ડ નંબર 10માં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ઓફ્સિર તરીકે ફરજ બજાવતા રાજેશ મકવાણાએ વેસ્ટ ઝોન કચેરીમાં આવેલી ટાઉન પ્લાનિંગ શાખામાં રજીસ્ટર સાથે ચેડા કરી બનાવટી દસ્તાવેજો ઊભા કર્યા હતા. તેમજ પુરાવાનો નાશ કર્યો હતો. આ સંદર્ભે પોલીસે તેની ધરપકડ કરી હતી. મહાનગરપાલિકાના અધિકારીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. વોર્ડ નંબર 1 માં ફરજ બજાવતા એટીપીઓ રાજેશ મકવાણાએ તેની જવાબદારી ન હોવા છતાં પણ રેકર્ડમાં ફેરફર કર્યા હતા. બાદમાં નિયમ મુજબ સરકારી કર્મચારી 48 કલાક સુધી જેલમાં હોય મહાનગર પાલિકાના કમિશનરે આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.

અત્યાર સુધીમાં મહાનગરપાલિકાના કુલ 8 જેટલા કર્મચારીઓ ગેમઝોનકાંડમાં સંડોવાયેલા છે. તેમાં ફાયર વિભાગના ત્રણ કર્મચારી અને ટાઉન પ્લાનિંગ વિભાગના પાંચ કર્મચારીનો સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધીમાં ટાઉન પ્લાનિંગ શાખાના પૂર્વ મુખ્ય ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપીઓ રાજેશ મકવાણા, ગૌતમ જોશી, જયદીપ ચૌધરી, મુકેશ મકવાણા અને ફાયર વિભાગમાંથી ઈલેશ ખેર, રોહિત વિગોરા અને ઠેબાની ધરપકડ કરી છે.


  • Follow us on: