- તક્ષશિલા, હરણી, મોરબીના પીડિતો અગ્નિકાંડના પીડિતો એક સાથે આવશે
- વરસાદ વચ્ચે તપાસ ટાઢી, આપ્તજનોને ગુમાવનારા પીડિત પરિવારોમાં રોષની જ્વાળા
- ટાઈમપાસ કરવાનું બંધ કરી સરકાર SITનો રિપોર્ટ જાહેર કરે, બેદરકારો સામે એક્શન લે
રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડના 35 દિવસ પછી પણ આ ભયાવહ માનવસર્જિત ઘટના માટે જવાબદાર કોણ ? તેનો જવાબ મળ્યો નથી.વરસાદ વચ્ચે આ ઘટનામાં તપાસ ટાઢી પાડી દેવા ભાજપના રાજકીય નેતાઓ અને IAS, IPS ઓફિસરો સાથે મળી રહ્યાનો જનાક્રોશ જેમણે પોતાના 27 આપ્તજનો ગુમાવ્યા છે,
ભડથું થયેલા દેહના અગ્નિ સંસ્કાર કરવા પડયા છે તેવા પરિવારજનોમાં છે. ગુજરાતમાં સુરત તક્ષશિલા અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં જેમને ન્યાય નથી મળ્યો તેવા પીડિતોએ પણ રાજકોટના પીડિતો પરિવારો સાથે એક મોરચા ઉપર આવવાનું નક્કી કર્યું છે. આ ત્રણેય ઘટના સહિત હોસ્પિટલોના અગ્નિકાંડના ફોજદારી કેસ, તપાસ પંચોના અહેવાલો બાદ આરોપીઓ બહાર આવી ગયા છે. જેના કારણે રાજકોટ અગ્નિકાંડમાં પણ એ જ ભૂતકાળનું રિપિટેશન થશે તેવી આશંકા સેવાઈ રહી છે. પીડિતોનું કહેવુ છે કે, 35 દિવસ પછી હજી સુધી એક પણ એ ગેમિંગ ઝોનની મુલાકાત લેનારા IAS, IPS કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓની પોલીસ તપાસ થઈ નથી. જો થઈ હોય તો અમને આશ્વાસન માટે પણ તેની ખાતરી કરાવી નથી. માત્ર ટાઉન પ્લાનિંગ અને ફાયર તંત્રના નાના ચાર અધિકારીઓની જ અટકાયત થઈ છે.
તે સિવાયના પોલીસ અને માર્ગ મકાન વિભાગના સસ્પેન્ડેડ અધિકારીઓનો બચાવ થઈ રહ્યો છે. જેમાં રાજકોટ ભાજપના નેતાઓ, પદાધિકારીઓ પણ ભેગા મળી ગયા છે. TRP ગેમિંગ ઝોનના સંચાલકે જે રીતે કોર્ટ સમક્ષ જામીન માંગ્યા તે જ સ્વયં સ્પષ્ટ કરે છે કે હરણી, તક્ષશીલા અને મોરબીની જેમ નેતાઓની સાઠગાંઠમાં રાજકોટ અગ્નિકાંડમાં પણ સાચા જવાબદારો સુધી પહોંચશે નહી, સમય જતા આરોપીઓને છાવરશે. ખરેખર સરકારે અમને ન્યાય આપાવવો હોય તો ટાઈમપાસ કરવાનો બંધ કરીને SITએ જે રિપોર્ટ સોંપ્યો છે તે જાહેર કરવો જોઈએ. જેથી ખરેખર શુ તપાસ થઈ છે તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય.
મરણનો દાખલો કઢાવવા એક પણ કોર્પોરેટરે મદદ કરી નથી
ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીને પોલીસે પુછપરછ કરી છોડી મુક્યા બાદ અગ્નિકાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂમિકાને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. પોતાના આપ્તજનોને ગુમાવનારા પીડિતોએ કહ્યું કે, મૃત્યુનો દાખલો મેળવવા માટે એક પણ કોર્પોરેટરે અમને મદદ કરી નથી. અહીં જાણે માનવતા અને નૈતિકતા મૃતપાય થઈ હોય તેવી સ્થિતિ છે.
અગ્નિકાંડના 35 દિવસ પછી સળગતા સવાલો યથાવત્
1. રેસિડેન્સિયલ ઝોનમાં TRP ગેમિંગ ઝોનને મંજૂરી કોણે આપી ?
2. ત્રણ વર્ષથી ચાલતા ગેમિંગ ઝોનમાં સાયલન્ટ રોકાણકર્તા કોણ ?
3. ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીનો બચાવ કરનાર કોણ ?
4. મનસુખ સાગઠિયાના ગોડફાધર ભાજપના કયા મોટા નેતા છે ?
5. પોલીસ ઓફિસરો સામે માત્ર સસ્પેન્શનની જ કાર્યવાહી કેમ ?