રાજકોટમાં સિટી બસ અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. સિટી બસના ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. મહાનગર પાલિકાએ તપાસની વાત તો કરી છે પણ સિટી બસના કોન્ટ્રાક્ટ એજન્સી સામે કોઈ કાર્યવાહી કરી નથી. મનપાએ ડ્રાઈવરને ફરજ પરથી દૂર કરીને સંતોષ માન્યો છે.આ ઘટના બાદ રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નરે પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં એજન્સી સામે સખત કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી.
રીપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે
રાજકોટ મહાનગર પાલિકામાં કમિશ્નરે પદાધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં એજન્સી સામે સખત કાર્યવાહી કરવા સૂચના આપી હતી. બીજી તરફ જે બસનો અકસ્માત થયો હતો તે બસની બ્રેક ફેલ થઈ કે કેમ તેની તપાસ કરાશે. દિલ્હીની PMI એજન્સી બસનું સંચાલન કરે છે તેનો ખુલાસો લેવાશે. આ ઘટનામાં રાજકોટ મહાનગર પાલિકા એક રીપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલશે. એફએસએલનો રીપોર્ટ આવ્યા બાદ સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.
ડ્રાઈવરનું લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હતું
બીજી તરફ પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર ડ્રાઈવર શિશુપાલસિંહનું ડ્રાઈવિંગ લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. સિટી બસના ડ્રાઈવરે લાઈસન્સ વિના બસ ચલાવવાનો પરવાનો કોને આપ્યો એવા સવાલો ઉભા થયાં છે. આ ઉપરાંત સિટી બસમાં મેન પાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ ભાજપનો કાર્યકર ધરાવે છે. જે અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું હતું કે, વિક્રમ ડાંગરને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી. બીજી તરફ વિક્રમડાંગરના ભાજપના નેતાઓ સાથેના બે ફોટા સામે આવ્યાં છે. ભાજપના ખેસ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે.









