પાટીદાર વિવાદને લઈને સમાજના અગ્રણી લલિત વસોયાએ અપીલ કરી. આ સાથે તેમણે સમાજ જોગ સંદેશ આપતા નિવેદન આપ્યું કે પાટીદાર સમાજનો વિવાદ ઉકેલાઇ જશે.સમાજના આગેવાનો જ આ વિવાદનો ઉકેલ લાવશે.સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો. લલિતભાઈ વસોયાએ કહ્યું છે છેલ્લા કેટલાક દિવસોમાં પાટીદારો જ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે.
લલિત વસોયાની અપીલ
સોશીયલ મીડીયાના માધ્યમથી લલિત વસોયાએ સમાજના બે મોટા પાટીદારો વચ્ચે ચાલતા વિવાદમાં વધુ આગ ના ચાંપવા અપીલ કરી. પાટીદારો જ એક બીજાની તરફેણમાં પાટીદારોની જ પાઘડી ઉછાળી રહયા છે. તેને લીધે પાટીદાર સમાજને કલંક લાગે છે જે કાંઈ પણ પ્રશ્ન હશે તે સમાજ ના આગેવાનો મામલાનો ઉકેલ લાવશે. આપણે પાટીદારો સરદાર પટેલના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે તેમ ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ. જો આપણે જ લડવા લાગીશું તો બહારના લોકો પણ આપણી વચ્ચે વધુ ગૂંચવાડા ઉભા કરશે.આપણી વચ્ચે ગમે તેટલા મતભેદ કેમ ના હોય પરંતુ આપણે એક પરિવારની જેમ જ રહેવું પડશે અને જે પણ સમસ્યા હોય તેનો શાંતિથી ઉકેલ લાવવો પડશે.
નામ લીધા વગર સાધ્યું નિશાન
નોંધનીય છે કે રાજકોટમાં યોજાયેલ સમૂહ લગ્નમાં ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા જયેશ રાદડિયાએ કેટલાક લોકોને ઉદેશીને કહ્યું હતું કે સમાજની બે ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે. સમાજના કામો કરવાના નામે રાજનીતિ કરી રહ્યા છે. જયેશ રાદડીયાની ટપોરીવાળી કમેન્ટને લઈને પાટીદાર સમાજના કેટલાક લોકો વધુ નારાજ થયા હતા.રાદડિયાએ નામ લીઘા વગર પાટીદાર સમાજના એક અગ્રણી આગેવાન પર નિશાન સાધ્યું હતું. જયેશ રાદડિયાએ કોને લઈને આ કમેન્ટ કરી હતી તે એક ખુલ્લું રહસ્ય કહી શકાય.
નિષ્ણાતો માને છે કે રાદડિયાએ નરેશ પટેલ પર નિશાન તાકતા પડકાર ફેંક્યો હતો. આ કમેન્ટ બાદ પાટીદાર જૂથમાં એકબીજા પર પ્રહારનો સિલસિલો ચાલુ થયો. જેના બાદ પાટીદાર અગ્રણી લલિત વસોયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પાટીદાર વિવાદને વધુ હવાના આપવા તમામને અપીલ કરી.
ટપોરી કમેન્ટે કરી વિવાદની શરૂઆત
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ભાજપના યુવા નેતા જયેશ રાદડિયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાની પૃણ્ય સ્મૃતિમાં 'પ્રેમનું પાનેતર' નામે 511 દીકરીઓનો ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમૂહ લગ્નમાં જાહેર મંચ પરથી જયેશ રાદડિયાએ નામ લીધા વગર સમાજના અમુક વ્યકિતઓ પર પ્રહાર કર્યા હતા.
રાદડિયાએ કહ્યું કે હું કામ કરું છું તો સમાજના કેટલાક લોકોના પેટમાં તેલ રેડાય છે. હું કામ કરતો આવ્યો છું અને કરતો રહીશ. અને કહ્યું કે 2 થી 5 લોકો ટપોરી ગેંગ જેવા છે,અને સમાજની બે ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે સાથે-સાથે આવા લોકોને સારું થાય છે તે જોવાતું નથી,રાજનીતિમાં લેવાદેવા નથી તેમ છત્તા સમાજમાં રાજનીતિ કરે છે અને અન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે,આ ટપોરી ગેંગ મને પાડી દેવા માટે કામ કરે છે પણ હું કામ કરતો આવ્યો છુ માટે મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરુર નથી.









