• શહેરમાં સમાજ સુરક્ષા વિભાગની ટીમો ત્રાટકી

  • બાળકોને ભિક્ષુક ગૃહ અને બાળગૃહમાં મોકલી દેવાયા
  • બાળકો ગુનાહિત પ્રવૃતિ તરફ ન વળે અને ભીક્ષાવૃતિ ન કરે તે માટે કલેક્ટર દ્વારા કમીટી બનાવવામાં આવી છે.

રાજકોટ શહેરમાં હિટવેવના કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો 42-43 ડિગ્રીને આંબી જતા આવી કાળઝાળ ગરમીમાં રમકડા-ફુગ્ગા અને ભીક્ષાવૃતિ કરતા 9 મોટા અને 3 નાના બાળકો સહિત 12 બાળકોને સમાજ સુરક્ષા વિભાગની ટીમે ઝડપી લઈ ભીક્ષાગૃહ અને બાળગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે.

સમાજ સુરક્ષા વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેરમાં આજે સમાજ સુરક્ષા વિભાગની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રેસકોર્ષ, કિશાનપરા, કેકેવી ચોક, નાનામવા ઓવરબ્રીજ સહિતના વિસ્તારોમાં ઘર વિહોણા અને જાહેરમાર્ગો ઉપર વ્યવસાયીક પ્રવૃતિ કરતા 12 બાળકોને ઝડપી લેવામાં આવ્યા હતા. જુવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ દરેક જિલ્લામાં 18 વર્ષ સુધીના બાળકો ગુનાહિત પ્રવૃતિ તરફ ન વળે અને ભીક્ષાવૃતિ ન કરે તે માટે કલેક્ટર દ્વારા કમીટી બનાવવામાં આવી છે. દરમિયાન આજે રાજકોટમાં સમાજ સુરક્ષા વિભાગોની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.


  • Follow us on: