રાજકોટ જેલમાં બંધ લાંચિયા અધિકારી મનસુખ સાગઠીયાની ED દ્વારા પુછપરછ કરવામાં આવી છે. ED દ્વારા જેલમાં જ પૂછપરછ કરવામાં આવી છે. કેવી રીતે મનસુખ સાગઠીયા દ્વારા બેનામી સંપતિ એકત્રિત કરવામાં આવી તે સહિતના તમામ મુદ્દે પૂછપરછ કરવામાં આવી છે. જણાવી દઈએ કે થોડા સમય પૂર્વે ED દ્વારા જેલમાં બંધ રહેલા મનસુખ સાગઠીયાની પૂછપરછ કરવા સંદર્ભે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મનસુખ સાગઠીયા દ્વારા પોતાના સાથીદારોના નામ જણાવવામાં આવ્યા છે કે કેમ તે પણ એક સવાલ છે.
24.31 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી
મનસુખ સાગઠીયા પાસે કરોડો રૂપિયાની મિલકતમાં રોકવા માટે નાણાં ક્યાંથી આવ્યા તેની પણ તપાસ થશે. TPO તરીકે કાર્યકાળમાં બનાવેલી મિલકતો ઓફિસ, બંગલો, પેટ્રોલ પંપ, ફ્લેટ સહિતની મિલકતોની તપાસ થશે. તમને જણાવી દઈએ કે 27 લોકોનો ભોગ લેનાર રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO મનસુખ સાગઠીયા સામેની તપાસમાં હવે ED જોડાયું છે. મહત્ત્વપૂર્ણ છે કે મનસુખ સાગઠીયા સામે TRP અગ્નિકાંડ અંગે ગુનો નોંધાયા બાદ તેની મિલકતો અંગે ACBએ તપાસ કરી રહી હતી. જે દરમિયાન 24.31 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવતાં ACBએ ગુનો દાખલ કરી મનસુખ સાગઠીયાની ધરપકડ કરી હતી.
આ કેસમાં હવે થઈ શકે છે અન્ય નવા ખુલાસા
ACBએ સાગઠીયાની શોધી કાઢેલી મિલકતો પૈકી 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવા માટે ગૃહ વિભાગમાં દરખાસ્ત કરી હતી. જેને તાજેતરમાં જ ગૃહ વિભાગે મંજૂરી પણ આપી હતી. જેના પગલે ACBએ આ અંગે કોર્ટમાં પણ અરજી કરી હતી. EDએ તપાસમાં ઝંપલાવતાં હવે આ કેસમાં બીજા નવા ખુલાસા થવાની સંભાવના નકારી શકાય તેમ નથી.