ગુજરાતમાં ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓને કોઈ ચોક્કસ સ્થળેથી યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતુ હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને સ્કૂલોને આદેશ આપ્યો હતો કે, વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને સ્ટેશનરી ચોક્કસ સ્થળેથી ખરીદવા દબાણ નહીં કરવું. પરિપત્રનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ સખત કાર્યવાહી કરાશે. ત્યારે હવે રાજકોટમાં સ્કૂલ સંચાલકો સામે મનમાનીના આક્ષેપ કરવામાં આવ્યાં છે. ચોક્કસ દુકાનમાં ખરીદી કરવાના પરિપત્રનો ઉલાળીયો થયાનો પણ આક્ષેપ કરાયો છે.
વાલીઓને ચિઠ્ઠીઓ આપી હોવાની ફરિયાદ સામે આવી
રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે, કોઈ પણ શાળા પોતાનો ગણવેશ કે પછી અન્ય સ્ટેશનરીની ચીજ વસ્તુઓ કોઈ ચોક્કસ સ્થળેથી ખરીદવા વિદ્યાર્થીઓને દબાણ નહીં કરી શકે. વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ બાદ પરિપત્ર જાહેર કરી ખાનગી શાળાઓને પણ સખ્ત સૂચનાઓ અપાઈ છે.ઘણી ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને કોઈ ચોક્કસ સ્ટેશનરી ને ત્યાંથી જ વસ્તુઓ લેવા માટે જણાવવામાં આવતું હોવાની ફરિયાદો મળી હતી. તેમના આ પરિપત્રનો ઉલાળિયા થયો હોવાનું સામે આવ્યું છે. વાલીઓ દ્વારા રાજકોટમાં સ્કૂલ સંચાલકો સામે મનમાનીના આક્ષેપ કરવામાં આવ્યાં છે.
સમગ્ર મામલે શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ
રાજકોટમા સ્કૂલ દ્વારા પુસ્તકોની ખરીદી માટે ચિઠ્ઠી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એજ્યુમોલમાંથી વસ્તુઓ ખરીદી કરવા દબાણનો આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ અપાયા છે. નિયમ ભંગ કરનાર શાળાને 10 હજારનો દંડ કરવાની જોગવાઈ કાગળ ઉપર જોવા મળી છે. હવે આવતીકાલે સોમવારે શિક્ષણ અધિકારી શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.









