રાજકોટના ગોંડલમાં તાજેતરમા ગણેશ ગોંડલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે પાટીદાર નેતાઓને ચેતવણી આપી હતી. ત્યાર બાદ પાટીદાર નેતા અલ્પેશ કથીરીયા અને જિગીશા પટેલે ગણેશ ગોંડલને સણસણતો જવાબ આપ્યો હતો. આજે પાટીદાર નેતાઓ ગોંડલ પહોંચ્યા હતાં. જ્યાં રાજકીય વાતાવરણ તંગ બન્યું હતું. ગણેશના સમર્થકોએ અલ્પેશ કથીરિયાની કાર પર પથ્થર માર્યો કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ અંગે જયરાજસિંહ જાડેજાએ અલ્પેશ કથીરિયાને કહ્યું હતું કે, કોઈના અણવર નહીં વરરાજા બનીને આવો.
આંદોલનમાં નાપાસ થયેલા હવે ગોંડલમાં મેદાને ચઢ્યાં
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં પાટીદાર નેતાઓની એન્ટ્રી બાદ નિવેદન આપ્યું હતું. તેમણે અલ્પેશ કથીરિયાને કહ્યું હતું કે, કોઈના અણવર નહીં પણ વરરાજા બનીને આવો. બહારથી આવીને લોકો ગોંડલનું વાતાવરણ બગાડે છે. તેમણે ગોંડલથી ચૂંટણી લડવા માટે અલ્પેશ કથીરિયાને પડકાર આપ્યો હતો. ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આંદોલનમાં નાપાસ થયેલા હવે ગોંડલમાં મેદાને ચઢ્યાં છે. ગોંડલમાં તમામ સમાજના લોકો અમારી સાથે છે.
ગણેશ જાડેજા સમર્થકો સાથે રસ્તા પર ઉતર્યો
બીજી તરફ ગોંડલમાં અલ્પેશ કથીરિયાના આગમનથી વાતાવરણ ગરમ થયું હતું. ગણેશ જાડેજા અલ્પેશ કથિરીયાના વિરોધ માટે સમર્થકો સાથે રસ્તા પર ઉતર્યો હતો. અલ્પેશ કથીરિયાની કાર પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. ગણેશ ગોંડલે કહ્યું હતું કે, ગોંડલની જનતા અમારી સાથે છે. અમે અમારો વિરોધ નોંધાવી રહ્યાં છીએ.તોડફોન કરીને ગણેશ જાડેજાએ કહ્યું હતું કે અમે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવી રહ્યા છીએ.
ભગવતસિંહ મહારાજના ગોંડલની સ્થિતિ આવી કેમ?
પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું હતું કે, આજે ગોંડલમાં ગુંડાગર્દી દેખાઈ રહી છે. ગોંડલમાં સંપૂર્ણ લોકશાહી નથી. અમે કોઈપણનો ફાકો ઉતારી દઈશું. અહીં વિઝા લઈને જવાની જરૂર છે? ભગવતસિંહ મહારાજના ગોંડલની સ્થિતિ આવી કેમ, હવે રોજ નવા એપિસોડ આવશે. અમે ગોંડલમાં લોકશાહીની સ્થાપના કરીશું. ભાજપના કાર્યાલય પર ગુંડાનો કબ્જો થઈ ગયો છે.









