રાજકોટમાં કેકેવી ચોકમાં મોટી દુર્ઘટના સર્જાઈ. કેકેવી ચોકમાં સિટી બસ ચાલકે બેફામપણે વાહન હંકારતા ભયંકર અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળ પર જ 3 લોકોના મોત નિપજયા. કેકેવી ચોક પાસે અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું. સ્થાનિકોએ ભેગા થઈ સિટી બસમાં તોડફોડ કરી અને બસ ચાલકને પકડી માર માર્યો. કેકેવી ચોક પાસે અકસ્માતની ઘટના સામે આવતા પોલીસ પણ દોડતી થઈ. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણ લોકોના મૃતદેહનો હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા.

અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ
પોલીસે અકસ્માતને પગલે સ્થાનિકોમાં જોવા મળતા રોષને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો. અવારનવાર કેકેવી ચોક પાસે અકસ્માતની ઘટના બનતા સ્થાનિકોએ પણ પોલીસને આ મામલે વધુ સઘન કામગીરી કરવા અપીલ કરી છે. લોકોની સુવિધા માટે બનાવવામા આવેલ માર્ગો પર લોકો પૂરઝડપે વાહન હંકારી વધુ સ્પીડનો આનંદ માણતા હોય છે. તેમની આ મજાનો અન્ય લોકો ભોગ બને છે. સિટી બસચાલકની બેદરકારીએ ગંભીર અકસ્માત કરતા ત્રણ નિર્દોષ લોકોના મોત નિપજયા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતની ઘટનાની કારણોની તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ત્રણ લોકોના મોતને પગલે તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

સ્થાનિકોએ પોલીસ સમક્ષ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો
સિટી બસચાલકે એકસાથે 5 વાહનોને અડફેટે લીધા હતા. સિટી બસ ચાલકો સામે સ્થાનિકોનો ફૂટ્યો ગુસ્સો. બસચાલકે અકસ્માત કરતાં સ્થાનિકો રોષે ભરાયા હતા. ઉગ્ર થયેલા સ્થાનિકોએ બસના કાચ ફોડ્યા અને પથ્થરમારો કર્યો. અકસ્માતના સાક્ષી સ્થાનિકનું કહેવું છે કે સિટી બસચાલક 120થી વધુની સ્પીડે બસ હંકારતો હતો. બસચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. કેકેવી ચોક પાસે અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષને પગલે સ્થિતિ વણસી જતાં DCP જગદીશ બાંગરવા ઘટનાસ્થળે પંહોચ્યા.  સ્થાનિકોએ પોલીસ સમક્ષ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. પોલીસ દ્વારા સ્થાનિકોને શાંત પાડવા પ્રયાસ કરાયો. ટોળું વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડયો. નશાની હાલતમાં સિટી બસ ચલાવનાર નશેડી બસ ચાલકની પોલીસે અટકાયત કરી.

કે.કે.વી. ચોકમાં અકસ્માતનો સિલસિલો
અગાઉ પણ કે.કે.વી. ચોકમાં આ વર્ષ (2025)ની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પૂરઝડપે SUV હંકારતા નશામાં ધૂત ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી હતી . આ ઘટનામાં અનેક લોકોને ઇજા પહોંચી હતી. ગંભીર અકસ્માતને પગલે સ્થાનિકોએ નશેડી વાહનચલાકને પકડીને પોલીસને સોપ્યો હતો. પોલીસે નશેડી SUVના ચાલક સામે બેદરકારી પણે વાહન હંકારવા તેમજ નશામાં વાહન ચલાવવાને લઈને ફરિયાદ દાખલ કરી વાહનચાલકની અટકાયત કરી હતી. વારંવાર થતા અકસ્માતોને પગલે ટ્રાફિક સુરક્ષા અને નશામાં વાહન ચલાવવા મામલે તંત્ર દ્વારા વધુ કડક કાયદો લાવવા જરૂરી છે. 
  • Follow us on: