• રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીડિતોના પરિવારજનોએ રૂપાલાને ઘેર્યા

  • બહુ ટીકા થઈ એટલે આવ્યા છો!, અમને ખબર છેઃ માંડ લોકો વચ્ચેથી નીકળ્યા
  • ઘટનાના ત્રીજા દિવસે દેખાયેલા પરસોત્તમ રૂપાલા પણ પીડિત પરિજનોની અડફેટે ચઢયા

TRP ગેમિંગ ઝોન ભડકે બળતો હતો ત્યારે દાંત કાઢતાં ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા સામે જનાક્રોશ ભભૂકી રહ્યો છે આ ઘટનાના ત્રીજા દિવસે દેખાયેલા પરસોત્તમ રૂપાલા પણ પીડિત પરિજનોની અડફેટે ચઢયા હતા. ચૂંટણી પ્રચારમાં રાજકોટવાસીઓને હંમેશા સુખ-દુઃખમાં સાથે રહેવાની ખાત્રી આપનાર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા ગેમઝોન દર્ધટનાના છેક બીજા દિવસે માત્ર મોઢું બતાડી ગયા હોઈ તીવ્ર આલોચના થતા આજે તે સિવીલ હોસ્પિટલ પહોચ્યાં હતા પરંતુ 'યે પબ્લીક હૈ સબ જાનતી હૈ' મુજબ રોષે ભરાયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા, અને હલ્લાબોલ મચાવતા કહ્યુ હતું કે, તમારી ટીકા થઈ એટલે આવ્યા છો! અમને ખબર જ છે. અત્યાર સુધી તમે કેમ ના આવ્યા?

શનિવાર તા.25ના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં 28થી વધુ લોકો અગ્નિકાંડમાં હોમાઈ ગયા બાદ તા.28ના મંગળવારે રૂપાલા સિવીલે પહોચ્યા હતા. જ્યાં તેમણે ફરજિયાત લોકો સાથે સંવાદ કરવો પડયો હતો. પિડીતોએ રૂપાલાને પૂછયું હતું કે અમે લોકો ચાર દિવસથી હેરાન થઈ રહ્યા છીએ ત્યારે તમે આજે છેક અમને મળવા આવો છો. વધુમાં તેઓએ પોતાનું દર્દ ઠાલવતા કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં જ્યારે તમારે જરૂર હતી ત્યારે અમે ખડેપગે સાથે રહ્યા હતા. પરંતુ જ્યારે આ આપતી પ્રજાજનો પર આવી તો તમે કેમ ત્રણ દિવસ પછી આવ્યા છો. એટલું જ નહી ભોગ બનનારના એક સ્વજને કહ્યુ હતું કે અમારા પરિવારના પાંચ લોકો લાપતા છે જેમાંથી બે મૃતદેહ સાથે ડીએનએ મેચ થયા પરંતુ બાકીના ત્રણ સભ્યો માટે અમારે હજુ રાહ જોવી પડી રહી છે. રોજ એક એક અંતિમયાત્રા ઘરેથી નીકળતા પરિવાના અન્ય સભ્યોની પણ હાલત ખરાબ થતી જાય છે.

આટલી વેદના ઠાલવતા જ સ્વજનો ચોધાર આંસુએ રડી પડયા હતા. ઘટનાને ત્રણ દિવસ વિતી ગયા બાદ સિવીલ હોસ્પિટલે આવેલા રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાને લોકોએ ઘેરી લીધા હતા. ત્યારે એક સ્વજન દ્વારા નેતાઓને મૃતદેહોની સંખ્યા વિશે સીધો સવાલ કરવામાં આવતા રાજનેતાઓએ કુલ 27 મૃતદેહ હોવાનું પ્રજાજનોને જણાવ્યુ હતું. ત્યારે એક શોકાતુર સ્વજને રૂપાલાને સવાલ કરતા પૂછયુ હતું કે, 27 મૃતદેહના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ પણ જો કોઈના સભ્યો લાપતા રહેશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે?રૂપાલા લોકોને આક્રોશ જોતા બચાવની મુદ્રામાં દેખાયા હતા અને તમે સાચા છો, તમે સાચા છો કહી ને રવાના થઈ ગયા હતા.


  • Follow us on: