સૌરાષ્ટ્રભરમાં વરસાદ વેરી બન્યો હોય તેમ સાંબેલાધાર વરસાદ વરસતા ખેડૂતોએ ખેતરમાં કરેલા વાવેતરનો સોથ બોલી ગયો છે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં મગફળી, કપાસ, સોયાબીન જેવા મહત્વના પાક નિષ્ફ્ળ થતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વખત આવ્યો છે કુદરતના પ્રકોપ સામે હારી ગયેલા સરધારના ખેડૂતે પાક ફેલ જતા મોતનો માર્ગ અપનાવ્યો છે બે એકરમાં ત્રણ વાર વાવેલી કોથમીર અને મગફ્ળીનો પાક ભારે વરસાદને લીધે ફેલ થતા ઘરે ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સરધાર ગામે આનંદનગર ક્વાટરમાં રહેતા અને ખેતીકામ કરતા જેસિંગભાઈ અરજણભાઈ મકવાણા ઉ.42 નામના ખેડૂત બપોરે ઘરે હતા ત્યારે એકાદ વાગ્યાના સુમારે ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે ત્રણેક કલાકની સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગપાલસિહ જાડેજા સહિતનો સ્ટાફ્ દોડી આવ્યો હતો અને પીએમ અર્થે મૃતદેહ ખસેડી જરૂરી કાર્યવાહી કરી તપાસ કરતા પાક નિષ્ફ્ળ જતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.










