રાજકોટના લોધિકા ગામના સરપંચને જમીન કૌભાંડમાં જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. સરપંચ સુધાબેન વસોયાએ ગામના 14 પ્લોટની બારોબાર હરાજી કરી નાંખી હતી. તેમની સામે ગેરરીતિના આક્ષેપ થયા બાદ તપાસ શરૂ કરાઈ હતી. ત્યાર બાદ ડીડીઓએ તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
લોધિકા ગ્રામ પંચાયતના સરપંચ સુધાબેન વસોયાને સસ્પેન્ડ કરાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ જિલ્લાની લોધિકા ગ્રામ પંચાયતના સરપંચ સુધાબેન વસોયાએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કર્યા વિના તેમજ કોઈ પણ પરવાનગી વિના લોધિકાના જૂના તેમજ નવા ગામતળમાં કુલ 14 પ્લોટની સત્તાનો દુરૂપયોગ કરીને તેની બારોબાર હરાજી કરી નાંખી હતી. ત્યાર બાદ તેમની સામે જમીન કૌભાંડ અંગેના આક્ષેપો થયા હતાં.
અગાઉ તેમને હોદ્દા પરથી દૂર કરાયા હતાં
તેમની સામે થયેલી તપાસ બાદ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા તેમને જમીનમાં ગેરરીતિ કરવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા છે. અગાઉ તેમણે મળતિયાઓને જ પ્લોટની ફાળવણી કરી હોવાનું સામે આવતા તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતાં. જ્યારે આ ગેરરીતિમાં તેમનો સાથ આપનાર તલાટી મંત્રી બી.એલ.મકવાણાને ફરજ મોકૂફ કરાયા હતાં.









