ગુજરાતની નદીઓમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે વધી રહ્યું છે. જે નદીઓ લોકોને પીવાના અને સિંચાઈ માટેના પાણીનો સ્રોત પુરો પાડે છે. તે જ નદીઓને પ્રદૂષિત કરવા માટે પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યાં છે. પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ માત્ર તપાસની વાતો કરીને દૂર રહે છે અને નદીઓમાં બેફામ પણે પ્રદૂષણ ફેલાવાય છે. રાજકોટના જેતપુરમાં કેમિકલ માફિયાઓ મર્યાદા બહાર નદીઓમાં કેમિકલ ઠાલવી રહ્યાં છે. ભાદર, કેરાળી અને લુણાગરા ગામ પાસે નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે.
કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો
વરસાદની સિઝનમાં નદીઓમા નવા નીર આવતા હોય છે.ત્યારે પ્રદૂષણ માફિયાઓ નદીમાં કેમિકલ વાળુ પાણી છોડતા હોય છે. જેથી તે પાણીના વહેણ સાથે ઝડપથી વહી જાય. ભાદર નદીમાં જાણે બરફની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે.ફીણના ગોટેગોટા જોવા મળી રહ્યાં છે.થોડો વરસાદ વરસતા જ ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.આ અંગે અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ કામગીરી થતી નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આવા પાણીથી નદીમાં જીવ સૃષ્ટિને પણ નુકસાન
ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે,દર વર્ષે ચોમાસુ નજીક આવતા જ પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે. કેટલાક કેમિકલ માફિયાઓ નદીને પ્રદૂષિત કરી રહ્યાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેતપુરની ભાદર નદી ધોરાજીના ભાદર-2 ડેમમા ભળે છે. નદીમાં ફીણના ગોટેગોટા જોવા મળતા ખેતીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે.આવા પાણીથી નદીમાં જીવ સૃષ્ટિને પણ નુકસાન થઈ રહ્યું છે. માલધારીઓના ઢોરને પણ રોગ થવાની ભીતિ સેવાઈ રહી છે. ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી GPCB દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.ખેડૂતોએ નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવવાનું બંધ કરવામાં આવે તેવી માગ કરી છે.
GPCB માત્ર સેમ્પલ લઈને સંતોષ માને છે
આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી આર.વી.ચૌહાણે લુલો બચાવ કરતાં કહ્યું હતું કે, ભાદર નદીમાં ડોમેસ્ટિક પાણી આવતુ હોવાથી તે પ્રદૂષિત થાય છે. ભાદર નદીમાં ક્યાંય પ્રદૂષણ નહીં હોવાનો તેમણે દાવો કર્યો હતો.તેમણે નગર પાલિકાનું લોકલ પાણી નદીમાં જતુ હોવાથી પ્રદૂષણ ફેલાતુ હોવાનો પણ દાવો કર્યો હતો. સ્થાનિકો અને ખેડૂતોનું કહેવું છે કે,જીપીસીબી માત્ર સેમ્પલ લઈને સંતોષ માને છે. ભાદર નદીમાં ફીણ બાબતે ટીમ મોકલી તપાસ કરશે.









