- છાતીમાં દુખાવો ઉપડતાં ત્રણેને હોસ્પિટલ ખસેડાયા હતા
- ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા
- 3 પરિવારે પોતાના ઘરના આધાર સ્તંભ ગુમાવ્યા
હાલમાં યુવાનોમાં હાર્ટ એટેકની ઘટના વધી રહી છે ત્યારે આજે એક જ દિવસમાં રાજકોટમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનોના મોત થયા છે. જેમાં રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા અવધ હાઉસિંગ સોસાયટીમાં રહેતા 41 વર્ષીય મહેન્દ્ર પરમાર નામના વ્યક્તિ મંગળવારના રોજ સાંજના ઘરે હતા. ત્યારે છાતીમાં દુખાવો ઉપાડતા બેભાન થઈ ગયા હતા. બેભાન હાલતમાં તેમને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે બીજી એક ઘટનામાં રૈયા રોડ પર આવેલા હનુમાન મઢી વિસ્તારમાં કેન્સર હોસ્પિટલ પાછળ આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય કિશન ધાબલીયા નામના યુવાનને સવારે છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પર હાજર રહેલા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારના આધારસ્તંભ સમાન દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે.
ત્રીજી ઘટનામાં કોઠારીયા રોડ પર આવેલા તિરૂપતિ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય રાજેન્દ્રસિંહ વાળા નામના વ્યક્તિ સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા સૌપ્રથમ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી બેભાન હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકને સંતાનમાં બે પુત્રી પણ હોવાનું સામે આવ્યું છે.
શા માટે વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ ?
અગાઉ આપણે મોટાભાગે મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાના સમાચાર સાંભળતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાના વ્યક્તિઓમાં અને નાના છોકરાઓમાં હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રૉકના કેસો વધી રહ્યા છે. આ વધતા જતા કેસોને જોઈને કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આના માટે કોવિડ વેક્સિન જવાબદાર છે. એટલું જ નહીં લોકો તેના વિશે અલગ-અલગ દાવા પણ કરી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે કૉવિડની રસી ઉતાવળમાં બનાવવામાં આવી હતી, જેટલું સંશોધન થવું જોઈએ તેટલું થયું નથી. આથી આ હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ છે.









