રાજકોટના ગોંડલમાં ગણેશ જાડેજા અને પાટીદાર નેતાઓ વિવાદ વધુ વકર્યો છે. ગણેશ ગોંડલના પડકાર બાદ પાટીદાર નેતાઓ આજે ગોંડલ પહોંચ્યા હતાં. જ્યાં અલ્પેશ કથીરિયાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અલ્પેશ કથીરિયાની સાથે જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયા પણ પહોંચ્યા છે. આ દરમિયાન ગણેશ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે કહ્યું હતું કે, આંદોલનમાં નાપાસ થયેલા હવે ગોંડલમાં મેદાને ચઢ્યાં છે. ગોંડલમાં તમામ સમાજના લોકો અમારી સાથે છે.હાલમાં ગોંડલમાં રાજકિય વાતાવરણ તંગ બન્યું છે. ત્યારે જાણીએ આ સમગ્ર વિવાદ પાછળ કયું કારણ જવાબદાર છે.


સુરતમાં મળેલી બેઠક બાદ આ વિવાદ વધારે ચગ્યો

ગોંડલમાં ગણેશ જાડેજા અને પાટીદાર નેતાઓ વચ્ચે સર્જાયેલા વિવાદ પાછળ સુલતાનપુર અને સુરતમાં મળેલી બેઠકો જવાબદાર માનવામાં આવે છે. સુલતાનપુરમાં ગણેશ જાડેજાએ શક્તિપ્રદર્શન કરીને પાટીદાર નેતાઓને આકરા શબ્દોમાં પડકારો ફેંક્યા હતાં. ત્યાર બાદ સુરતમા મળેલી પાટીદારોની બેઠકમાં ગણેશ જાડેજાને જડબાતોડ જવાબો અપાયા હતાં. ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના બે યુવાનો વચ્ચે થયેલી માથાકૂટ બાદ વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ બંને સમાજના આગેવાનો દ્વારા સમાધાનકારી વલણ અપનાવી પૂર્ણ કરાયો હતો. પરંતુ સુરતમાં મળેલી બેઠક બાદ આ વિવાદ વધારે ચગ્યો હતો. જ્યારે પાટીદાર અને ક્ષત્રિય સમાજે વિવાદનો અંત કર્યો હતો ત્યારે ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગણેશ જાડેજાને આગામી ઉમેદવાર ગણાવતા મામલો ફરી ચગ્યો હતો.

ગણેશ ગોંડલે પાટીદાર નેતાઓને પડકાર ફેંક્યો હતો

તાજેતરમાં સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં પાટીદારોની એક બેઠક મળી હતી. જેમાં મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ સુલતાનપુરમાં ગણેશ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા,મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેણે કહ્યું હતું કે, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે,પહેલા એ ધો પછી ગોંડલ આવજે. મેહુલ બોઘરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે માં નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં. તેના આ પડકાર બાદ પાટીદાર નેતાઓએ સણસણતો જવાબ આપ્યો હતો અને 27 એપ્રિલે ગોંડલ જવાની જાહેરાત કરી હતી. બંને સમાજના નેતાઓ દ્વારા થયેલા નિવેદન બાદ ગોંડલમાં વાતાવરણ તંગ બની ગયું છે.  

  • Follow us on: