• ભરૂચ પંથકમાં બળેવ પ્રસંગે ભૂદેવોએ જનોઈ બદલી હતી

  • બ્રહ્માકુમારીઝ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો.
  • ભદ્રાકાળના પગલે કેટલીક બહેનો આજે પણ રક્ષાબંધનની ઉજવણી કરશે

ભરૂચ પંથકમાં આજથી બે દિવસ માટે રક્ષાબંધન પર્વની શરૂઆત થઈ હતી. ભરૂચ પંથકમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જો કે કેટલીક બહેનો રક્ષાબંધનની ઉજવણી આજે તા.31 ઓગષ્ટને ગુરૂવારે યોજવાની હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

ભદ્રાકાળના પગલે આ પરિસ્થિતિ સર્જાઈ છે. તેમ છતાં ભરૂચ પંથકમાં બે દિવસ રક્ષાબંધન પર્વનો ઉમંગ અને ઉત્સાહ જળવાશે એમ જણાય રહ્યુ છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો પોતાના ભાઈની કલાઈ પર રક્ષા બાંધી સમગ્ર જીવન દરમ્યાન ભાઈ રક્ષણ કરે તેવી કામના કરતી હોય છે. તે સાથે જ ભાઈના લાંબા અને તંદુરસ્ત જીવન અંગે પણ કામના કરતી હોય છે તેની સામે ભાઈ પણ પોતાની શકિત મુજબ બહેનને ભેટ આપતા હોય છે.

શ્રાવણી પુનમે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોએ વિધિવત પોતાની જનોઈ બદલી હતી. જનોઈ એ ભૂદેવનું સત્વ ગણાય છે. આજે ભરૂચ પંથકમાં સામુહિક જનોઈ બદલવાના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ પંથકમાં વહેલી સવારથી જ ચહલપહલ વધી ગઈ હતી. ભરૂચની વિવિધ કલબોની બહેનો દ્વારા રક્ષાબંધન કર્યુ હતુ. પોલીસ તંત્રના કર્મચારીઓ, ફાયર બ્રિગેડના કર્મચારીઓ, 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓને પણ રક્ષાબંધન કરી સમગ્ર વર્ષ દરમ્યાન લોકોની રક્ષા કરે તેવી કામના વ્યકત કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રાહ્મણો દ્વારા તેમના યજમાનને પણ રક્ષા બાંધી પ્રભુ સમગ્ર વર્ષ દરમ્યાન યજમાનનું રક્ષણ કરે તેવી શુભકામના વ્યકત કરવામાં આવી હતી. શ્રાવણી પૂનમનુ મહત્વ એટલુ રહેતા આજરોજ શ્રાવણી પૂનમને અનુલક્ષીને કરવામાં આવતી ધાર્મિક વિધી યોજાઈ હતી જેમાં વિવિધ મંદિરોમાં અભિષેક અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ભરૂચ પંથકમાં વહેલી સવારથી જ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે નીકળતા ચલહપહલ વધી ગઈ હતી. તેમાંય પાલિકા દ્વારા મફત સીટી બસમાં મુસાફરીની જાહેરાત કરાતા બહેનોએ આ સગવડ અને સવલતનો લાભ લીધો હતો.

નારિયેળી પૂનમ નિમિત્તે ભકતોએ નર્મદા સ્નાન કર્યું

રક્ષાબંધનનો પર્વ નારીયેળી પુનમના દિને નર્મદા સ્નાનનું અનોખુ મહત્વ હોય છે.શાસ્ત્રોમાં પણ આ સ્નાનને અતિઉત્તમ ગણાવ્યુ છે. નારીયેળી પુનમના દિવસે પ્રાતઃ સમયે નર્મદા સ્નાન કરનાર ભકતોને વધુ પુણ્ય મળે છે એવી માનતા હોવાના પગલે આજે સમગ્ર જિલ્લામાં વહેતી નર્મદા નદીમાં ખુબ મોટી સંખ્યામાં ભકતોએ સ્નાન કર્યુ હતુ.

જિલ્લાના બજારો આંશિક રીતે બંધ

ભરૂચ પંથકમાં આજે અને આવતી કાલે રક્ષાબંધનનો પર્વની ઉજવણી થતી હોય જિલ્લામાં દૂધ, મીઠાઈ, ગીફટ સેન્ટર અને અન્ય કેટલીક દુકાનોને બાદ કરતા લગભગ તમામ બજારો બંધ રહ્યા હતા. રક્ષાબંધન પર્વની ઉજવણીનો ઉમંગ હોવાના પગલે વેપારીઓએ પણ પોતાની દુકાન બંધ રાખવાનો નિર્ણય લીધો હોય તેમ કેટલીક દુકાનોને બાદ કરતા દુકાનો બંધ રહેતા બજારોમાં સૂમસામની પરિસ્થિતિ જણાઈ હતી.

સબજેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

ભરૂચ સબજેલમાં બંદીવાન ભાઈઓને રક્ષાબંધનના તહેવારની ઉજવણીના ભાગરૂપે રાખડી બાંધવામાં આવી હતી. ઈ.ચા.અધિક્ષક એમ.પી.રાઠોડના નેતૃત્વ હેઠળ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ભરૂચ, શ્રી ગાયત્રી શકિતપીઠ સેવા ટ્રસ્ટ ભરૂચ તેમજ બ્રહ્માકુમારીઝ બહેનોએ બંદીવાન ભાઈઓને રક્ષાબંધન કર્યુ હતુ. ભાઈઓને તિલક કરી રાખડી બાંધી મો મીઠુ કરાવ્યુ હતુ. આ ઉપરાંત બંદીવાન ભાઈઓની સગી બહેનો પણ સબજેલ પર આવતા તેઓએ પણ રક્ષાબંધન કર્યુ હતુ.


  • Follow us on: