- પવિત્ર લાગણીનો દસ્તાવેજ સૂતરના તાંતણે બંધાયો
- દિવસભર ટ્રાફિકજામ, સાંજે હોટલો-રેસ્ટોરાં-ઢાબા હાઉસફુલ થયા
- મોટાભાગના લોકોએ આજે જ રક્ષાબંધનની ઉજવણી કરી હતી
શહેર-જિલ્લામાં રક્ષાબંધનનો પવિત્રપર્વ ભદ્રાના ભેદભરમને અભરાઇ પર ચઢાવી આનંદ-ઉલ્લાસ સાથે ઉજવાયું હતું. રક્ષાબંધન માત્ર રક્ષાની દોરી નથી. પરંતુ ભાઇ-બહેન વચ્ચે હૃદયની નિર્ભેળ લાગણી-અભિવ્યક્તિનો અવસર-દસ્તાવેજ હોવાની લાગણી નગરજનોએ વ્યક્ત કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આજે વાહનોની ચહલ-પહલથી ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા હતા. જ્યારે મોડી સાંજે સાંજે હોટલો-રેસ્ટોરાં-ઢાબા હાઉસફુલ થયાભદ્રાના કારણે લોકોમાં અવઢવ રહેશે તેમ મનાતું હતું પરંતુ બહેનોએ રક્ષા બાંધવી છે અને ભાઈનું હિત ઈચ્છવું છે પછી મુહૂર્ત જોવાનું ટાળ્યું હોય તેમ જણાયું હતું. ઘણાએ સવારે 11 પહેલા રક્ષાબંધન મનાવ્યું હતું તો ઘણાએ રાત સુધી રાહ જોઈ હતી. ઘણા આવતીકાલે રક્ષાબંધન મનાવશે. પરંતુ મોટાભાગના લોકોએ આજે જ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. નિજ શ્રાવણ સુદ-14ના બુધવારની સવારથી નગરનો માહોલ ઉત્સવમય બન્યો હતો. બહેનોએ પોતાના લાડલા ભાઇઓના લલાટે કુમ-કુમ તિલક કરી જમણા હાથના કાંડે રક્ષાસૂત્ર બાંધ્યું હતું.










