બોટાદના રાણપુર ગામની સીમમાં પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામ નજીક સીએનજી. પંપ પાસે ખેતરમાં ચાલી રહેલા જુગારધામ ઉપર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. વધુમાં મળતી માહિતીનું મુજબ SMCની ટીમે રાણપુર સીમમાં સીએનજી પંપ પાસે ખેતરમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડયો હતો.
તેમજ 9 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા હતા. જેમાં રાહુલભાઈ મહેરામભાઈ ચૌહાણ(રહે. બોટાદ), વીરજીભાઈ જીવરાજભાઈ ચુડાસમા (રહે.ઢાંકી, તા. ધોલેરા), ફિરોજભાઈ અલીભાઈ દીવાન (રહે.ધંધુકા), કમલેશભાઈ મધુસુદન પટણી(રહે.લખતર), જુસબભાઈ અહેમદભાઈ જીવાણી(રહે.જાંબુ, તા. લીંબડી), રાજુભાઈ શંકરભાઈ પંડિત(રહે.રાણપુર), વિજયભાઈ નાથુભાઈ ચૌહાણ(રહે.ગઢડા, બોટાદ), રાજુભાઈ ખોડીદાસ ડાભી(રહે.ભાવનગર), દલસુખભાઈ દાદરભાઈ પંચાલ(રહે.રાણપુર)નો સમાવેશ થાય છે. જ્યારે 15 શખ્સો પોલીસ ટીમને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા. એસએમસીની ટીમે દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડા રૂ. 2,12,760 રૂપિયા તેમજ 14 જેટલા અલગ અલગ વાહનો. અંદાજિત કિંમત રૂપિયા 15,10,000, 10 મોબાઇલ ફોન તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા 17,33,760નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાણપુર પંથકમાં જુગારધામ છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ સ્થળે ચાલી રહ્યો છે અને આ જુગારિયાઓ દરરોજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર જુગાર રમી રહ્યા છે. રાણપુર સીમના ખેતરમાં ધમધમતા જુગારધામ ઉપર ગાંધીનગર ટીમની રેડથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.










