ઉત્તરાખંડ UCC (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ થનાર દેશનું પ્રથમ રાજ્ય છે. ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ પ્રથમ લિવ-ઈન રિલેશનશિપની અરજીની નોંધણી થઈ. આ ઉપરાંત લિવ-ઈન રિલેશનશિપને લઈને અન્ય 5 અરજીઓ પણ દાખલ થઈ છે મંજૂરીની રાહ જોઈ રહી છે. આ 5 અરજીઓની તપાસ પૂર્ણ થયા બાદ નોંધણી મંજૂર કરાશે. નોંધનીય છે કે ઉત્તરાખંડ સરકારને મંગળવારે 6 અરજીઓ મળી હતી જેમાંથી 1ને મંજૂરી આપવામાં આવી અને અન્ય 5ની તપાસ ચાલી રહી છે.
લિવ-ઈન રિલેશનશિપ માટે 6 અરજી દાખલ
UCC મામલાના સંબંધિત અધિકારીએ જણાવ્યું કે સરકારને મળેલ 6 અરજીઓની ગુપ્તતા રાખવામાં આવી છે. અરજદારોના વ્યક્તિગત જીવનને ધ્યાનમાં રાખી તેમના મૂળ અધિકારને ધ્યાનમાં રાખતા તેમની ઓળખ ગુપ્ત રખાઈ છે. આ મામલાના સંબંધિત અધિકારીઓ નોંધણી માટે આવેલ અરજીઓની સંખ્યા જોઈ શકશે. જો કે સંબંધિત રજિસ્ટ્રાર જ પોતાની કામગીરીને લઈને અરજદારોની વિગતો જાણી શકશે. કહી શકાય કે રજિસ્ટ્રાર સિવાય કોઈપણ UCC અંતર્ગત કરવામાં આવેલ અરજદારની વિગતો જાણી નહીં શકે.
સરકાર દ્વારા સુરક્ષિતતાને ઘ્યાનમાં રાખતા UCC અંતર્ગત જે અરજદાર યુગલો નોંધણી માટે અરજી કરતા હોય તેમની વ્યક્તિગત માહિતી જાહેર ના થાય તે ઉદેશ્ય હેઠળ તકેદારીરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે.
લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી ફરજીયાત
નોંધનીય છે કે લિવ-ઇન રિલેશનશિપના વધતા કિસ્સા અને તેમાં રહેલ જોખમના કારણે ઉત્તરાખંડ સરકારે મહત્વના પગલાં લીધા. સરકારે લિવ-ઇન રિલેશનશિપને નિયંત્રિત કરવા 27 જાન્યુઆરીએ UCC નિયમો લાગુ કર્યા. જે અંતર્ગત તમામ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે.સરકારના UCC નિયમ મુજબ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માંગતા યુગલોએ નોંધણીની ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ મંજૂરી મેળવવી પડશે. આ માટે યુગલોએ 16 પાનાનું ફોર્મ ભર્યા ઉપરાંત ધાર્મિક નેતા પાસેથી એવું સર્ટિફિકેટ લેવું પડશે જેમાં તેઓ ઇચ્છે તો લગ્ન કરી શકે છે તેવું દર્શાવવામાં આવ્યું હોય. UCC હેઠળ લિવ-ઇન રિલેશનશિપની નોંધણી ફરજીયાત કરવાનો ઉદેશ્ય ફક્ત રેકોર્ડ રાખવા માટેનો છે.