- સુરત, અમદાવાદ, ભાવનગર, આણંદ, રાજકોટમાં તપાસ
- 100થી વધુ પેઢીઓમાં ચકાસણી કરાઈ
- રૂ. ચાર હજાર કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેકશન શોધી કઢાયા
ગુજરાતમાં SGSTની ટીમ અને પોલીસ દ્વારા હવે બોગસ બિલિંગ કૌભાંડને લઈ લાલ આંખ કરી છે. મળતી માહિતી પ્રમાણે આ અભિયાન અંતર્ગત સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને આણંદમાં 100થી વધુ પેઢીઓમાં તપાસ કરાઇ હતી. જોકે આ પેઢીઓમાં તપાસ દરમિયાન 4,000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે. જોકે અનેક જગ્યાએ તપાસ દરમ્યાન પણ કેટલાક કૌભાંડીઓ નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી કૌભાંડ આચરતાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.
અલગ-અલગ જગ્યાએ તપાસ દરમિયાન 4,000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શન શોધી કાઢ્યા છે. જોકે અહી સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે, મોટાભાગના કૌભાંડી તત્વોએ નવી મોડસ ઓપરેન્ડી મુજબ આ કૌભાંડ આચર્યું હતું.
આધાર કાર્ડ સેન્ટરથી જ નંબર બદલી આચર્યું કૌભાંડ
મળતી માહિતી પ્રમાણે કૌભાંડીઓની આ વખતે નવી જ મોડસ ઓપરેન્ડી હતી. SGSTની ટીમ અને પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાએ કરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન એક ચોંકાવનારી અને આશ્ચર્ય પમાડે તેવી વાત સામે આવી છે. આધારમાં મોબાઇલ નંબર બદલીને બોગસ પેઢી ઊભી કરાઇ હતી. આધાર કાર્ડ સેન્ટર પરથી આધારમાં મોબાઇલ નંબર બદલતા હતા. જેથી જે તે માહિતી આવે તે કૌભાંડીના નંબર પર જ આવે. સુરત ખાતેની ચકાસણીમાં સંડોવાયેલાં વ્યક્તિના મોબાઇલમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ, જેવા ડુપ્લીકેટ દસ્તાવેજો એપીકે ફાઇલથી એન્ડ્રોઇડ એપ દ્વારા બનાવાતા હોવાનું સામે આવ્યું હતું. વધુમાં ડમી નામે બનાવટી આઇડી બનાવી લોકોના દસ્તાવેજો લોન અપાવવાના બહાના હેઠળ મેળવતા હતા. આ તરફ જેમના પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ થયો તેમના સ્ટેટમેન્ટ લેવાતા ચોંકાવનારી વાત તો એ સામે આવી કે, કોઈને જાણ પણ નહોતી કે તેમના આધારનો ઉપયોગ કરાયો છે.
4,000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શન પણ ધરપકડ નહીં
SGSTની ટીમ અને પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાએ કરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન એક ચોંકાવનારી અને આશ્ચર્ય પમાડે તેવી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ કાર્યવાહીઓ દરમિયાન હજી સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. તો વળી હવે વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, શંકાસ્પદોની ઓળખ થઈ છે અને ટૂંક જ સમયમાં FIR દાખલ કરવામાં આવશે.









